સ્વર્ગસ્થ મહારાણીને શ્રદ્ધાંજલિ પાઠવતાં લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, સાત દાયકા કરતાં વધુ સમય સુધી સ્વર્ગસ્થ મહારાણીએ બ્રિટન અને કોમનવેલ્થની જનતાને નેતૃત્વ, માર્ગદર્શન અને પ્રેરણા પૂરાં પાડ્યાં છે. તેમના નિધનથી રાજવી પરિવારને જ નહીં પરંતુ સમગ્ર દેશ અને વિશ્વને મોટી ખોટ પડી છે. આટલી વ્યાપક વૈશ્વિક અસર ધરાવતા નેતાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બ્રિટિશ ભારતીય સમુદાય પણ આઘાતમાં સરી પડ્યો છે અને ક્વીનની આજીવન સેવાઓ માટે આભાર વ્યક્ત કરે છે. સેવા અને ધર્મના આ પ્રકારના મૂલ્યોને આપણી સંસ્કૃતિ અને ગ્રંથોમાં પણ સ્થાન અપાયું છે. નામદાર મહારાણી કોઇપણ રાજકીય પ્રભાવથી અળગું વ્યક્તિત્વ હતા અને અદ્દભીત બદલાવના સાત દાયકા કરતાં વધુ સમય સુધી સ્થિરતાના એન્કર બની રહ્યાં હતાં. ક્વીન કોમનવેલ્થ પ્રત્યે પણ એટલાં જ પ્રતિબદ્ધ હતાં. તેમના કાર્યકાળમાં કોમનવેલ્થ સંગઠનનો નોંધપાત્ર વિસ્તાર થયો છે અને હવે કોમનવેલ્થ 56 દેશોનો પરિવાર બન્યો છે. આ પરિવાર સમાન મૂલ્યો અને આદર્શોમાં એકજૂથ છે. કોમનવેલ્થ દેશોમાંથી બ્રિટનમાં સ્થાયી થયેલા લોકોએ આપણા મહારાણીના લગાવ અને સંબંધને હંમેશા બિરદાવ્યો છે. મારા સ્વાનુભવ પરથી કહી શકું છું કે ભારતીય ઉપખંડ સાથે ક્વીનનો સંપર્ક અદ્વિતિય હતો. બ્રિટિશ એશિયન ટ્રસ્ટના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે કે કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા આ સંબંધ અવિરત જારી રહેશે. તેઓ દક્ષિણ એશિયાના દેશોમાં વિશેષ રસ ધરાવે છે. આપણા નવા કિંગ નવી જવાબદારીઓ સ્વીકારી રહ્યાં છે ત્યારે અમે નામદાર રાજા, ક્વીન કોન્સોર્ટ અને રાજવી પરિવારને સંપુર્ણ સમર્થન જાહેર કરીએ છીએ.


