લંડનઃ લેંકેશાયરના ઓસ્વાલ્ડટ્વિસ્ટલના સાત વર્ષીય સ્ટીવન બ્રાઉને ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ અને વેલ્સ એમ ત્રણ દેશોના સૌથી ઊંચા પર્વતો ચડીને વિક્રમ રચ્યો છે. પ્રાઈમરી સ્કૂલના ચાર ફૂટથી સહેજ ઊંચા વિદ્યાર્થીએ બેન નેવિસ, સ્કાફેલ પાઈક અને સ્નોડનની કુલ ૩,૪૦૮ મીટરની ઊંચાઈનું ચઢાણ કર્યું હતું.
તેણે ‘ડેરિયન હાઉસ ચિલ્ડ્રન્સ હોસ્પિસ’ સંસ્થાના લાભાર્થે ચેલેન્જ સ્વીકારી ૫૬૦થી વધુ પાઉન્ડ એકત્ર કર્યા હતા. આ સાહસમાં માતા કેરોલિન પણ જોડાઈ હતી. સ્ટીવન આવતા વર્ષે યોર્કશાયરના ત્રણ પર્વતો ચડવા વિચારે છે.
પહેલા તેણે ૧,૩૪૪ મીટર ઊંચા બેન નેવિસની ચઢાઈ શરૂ કરી હતી અને ફોર્ટ વિલિયમમાં બેઝ ખાતે ૪ કલાક ૪૫ મિનિટમાં પાછો ફર્યો હતો. તેઓ લેક ડિસ્ટ્રીક્ટનો સ્કાફેલ પાઈક ચડીને ૩ કલાક ૪૫ મિનિટમાં પાછા ફર્યા હતા અને સ્નોડનનું ચઢાણ અને ઉતરાણ ત્રણ કલાક ૧૯ મિનિટમાં પૂરું કર્યું હતું. આ જોડીએ ૨૪ કલાકની મર્યાદાની ચેલેન્જ ૨૨ કલાકને ૫૪ મિનિટમાં પૂરી કરી હતી.
કેરોલિને જણાવ્યું હતું કે બાળક તરીકે આ ત્રણ પર્વતો ચડવાનો વિક્રમ અત્યાર સુધી ૮ વર્ષ અને ત્રણ મહિનાના બાળકના નામે હતો, હવે તે સ્ટીવનના નામે છે. અમે ૨,૫૦૦ પાઉન્ડ એકત્ર કરવા માગીએ છીએ.


