સાત વર્ષનાં ‘નઠારા’ બાળકને £૩૦ મિલિયનનું વળતર!

Wednesday 06th November 2019 02:06 EST
 
 

લંડનઃ વર્ષો સુધી શાળા અને બહાર તોફાનો અને અસભ્ય વર્તન કરવાના લીધે ‘નઠારા કે નોટી’ તરીકે પંકાઈ ગયેલા સાત વર્ષના બાળકને ૩૦ મિલિયન પાઉન્ડના વળતરની ચૂકવણી કરવા કોર્ટે યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ, લંડનને આદેશ કર્યો છે. તત્કાળ સિઝેરિયન કરવામાં વિલંબ થવાથી જૂન ૨૦૧૨માં જન્મેલા બાળકનાં મગજને નકસાન થયું હતું. કોર્ટે વળતરનો આદેશ કરતા જણાવ્યું હતું કે બાળકના અસામાન્ય વર્તન પાછળ જન્મ સમયે થયેલી ઈજા કારણભૂત છે.

બાળકના ખરાબ કે અસભ્ય વર્તન બદલ માતાપિતા જવાબદાર હોવાનો આક્ષેપ હેલ્થ અને સોશિયલ વર્કર્સ દ્વારા પાંચ વર્ષ સુધી લગાવાતો હતો પરંતુ, કોર્ટના આદેશમાં જણાવાયું હતું કે જૂન ૨૦૧૨માં જન્મ સમયે થયેલી ઈજા તેના આવાં નઠારા વર્તન બદલ કારણભૂત છે. બાળકના જન્મ સમયની સમસ્યાઓમાં સેપ્સિસ (સડો), આંચકીઓ, સતત પલ્મોનરી હાયપરટેન્શન એટલે કે ફેફસાને લોહી પહોંચાડતી ધમનીઓમાં ઊંચા રક્તદબાણનો સમાવેશ થતો હતો.

લંડનની યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલની બેદરકારીના કારણે તેના ઈમર્જન્સી સિઝેરિયન સેક્શનમાં વિલંબ થયો હતો. તબીબી પુરાવાએ તેની મુશ્કેલ વર્તણૂંક માટે મગજની ઈજાઓ જવાબદાર હોવાના દાવાને સમર્થન આપ્યું હતું. હોસ્પિટલે દિલગીરી દર્શાવવા સાથે ડિલિવરીમાં વિલંબની પોતાની જવાબદારી સ્વીકારી હતી. બાળકની સારસંભાળના ફંડ માટે હાઈ કોર્ટના જજ ગ્રેહામ રોબિન્સને ૩૦ મિલિયન પાઉન્ડના વળતરની પતાવટને મંજૂરી આપી હતી.

આ બાળક શાળામાં બૂમબરાડા પાડવાં, બચકાં ભરવા અને સામે થઈ જવા સહિત અસામાન્ય વર્તન કરવાના લીધે ‘નઠારા’ તરીકે વગોવાઈ ગયો હતો. તેને સાચવવા ખાસ બે સપોર્ટ કાર્યકર સતત રાખવા પડે છે. હવે તે સ્પેશિયાલિસ્ટ સ્કૂલમાં જાય છે. ઘરમાં તેના પિતા અને વ્હીલચેરમાં રહેતી માતા તેની સંભાળ રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter