લંડનઃ ક્લાઇમેટ ચેન્જની અસરોથી લંડનને બચાવવા માટે મેયર સાદિક ખાને વાહન ચાલકો સામેનું તેમનું યુદ્ધ ઉગ્ર બનાવ્યું છે. લંડનના વધુ વિસ્તારોનો ઉલેઝમાં સમાવેશ કરવાની પહેલ બાદ હવે સાદિક ખાને તેમના અધિકારીઓને રોડ પ્રાઇસિંગ સ્કીમ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. સરકારે હાઉસ કોમન્સમાં માહિતી આપી હતી કે લંડનના મેયર સાદિક ખાન લંડનની સડકોના ઉપયોગ માટે વાહનચાલકો પાસેથી પ્રતિ માઇલ અથવા તો પ્રતિ મિનિટ ચાર્જ વસૂલવાની યોજના તૈયાર કરી રહ્યાં છે. આ યોજના અંતર્ગત વધુ પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનો અને પીક અવર્સમાં સડકનો ઉપયોગ કરનારા વાહનચાલકો પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવશે.
જોકે સાદિક ખાનની આ યોજના સામે સાંસદો અને એક્ટિવિસ્ટોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. તેમનો આરોપ છે કે સાદિક ખાન લંડનને શટ ડાઉન કરવાનાં પ્રયાસ કરી રહ્યાં છે. એવો પણ ભય સેવાઇ રહ્યો છે કે સાદિક ખાન વિવાદાસ્પદ ઉલેઝ સ્કીમની તર્જ પર આ યોજના સમગ્ર ગ્રેટર લંડનમાં લાગુ કરી શકે છે.
29 ઓગસ્ટથી લંડનના તમામ બરોમાં ઉલેઝ સ્કીમ અમલી બનશે તે અંતર્ગત વાહન ચાલકે પ્રતિ દિવસ 12.50 પાઉન્ડ ચૂકવવા પડશે. આ સ્કીમ એવા વાહનોને લાગુ પડશે જેઓ આકરા પર્યાવરણ સ્ટાન્ડર્ડ ધરાવતાં નથી.


