લંડનઃ લંડનના મેયર સાદિક ખાને જાહેરાત કરી છે કે આ ઉનાળામાં શનિવાર અને રવિવારના દિવસોમાં સમગ્ર લંડનમાં બસ અને ટ્રામમાં અમર્યાદિત મુસાફરી માટે માત્ર એક જ સિંગલ ભાડું લેવામાં આવશે. મેયર દ્વારા તેમની લોકપ્રિય હોપર ફેર યોજનાને 25 જુલાઈથી 31 ઓગસ્ટ વચ્ચેના તમામ શનિવાર અને રવિવાર માટે લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મુસાફરો તે દિવસોમાં માત્ર 1.75 પાઉન્ડનું એક સિંગલ ભાડું ચૂકવીને આખા દિવસ દરમિયાન લંડનભરમાં ગમે તેટલી વાર બસ અને ટ્રામમાં મુસાફરી કરી શકશે.
મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, હું લંડનવાસીઓને મોંઘવારીના બોજમાં રાહત આપવા માટે કટિબદ્ધ છું. મારી હોપર ફેર યોજનાએ લાખો લોકોને સસ્તી મુસાફરીનો લાભ આપ્યો છે. હું જાણું છું કે ઉનાળાનું વેકેશન પરિવારો માટે ખર્ચાળ હોઈ શકે છે તેથી આ નવી વીકેન્ડ હોપર યોજના લંડનવાસીઓ અને પ્રવાસીઓ માટે શહેરના આનંદને માણવો વધુ સરળ અને સસ્તો બનાવશે.


