લંડનઃ લંડનના 35 ટકા વાલીઓ અને કેરર્સ ખાદ્યપદાર્થો અને જીવનજરૂરી વસ્તુઓની અછત વેઠી રહ્યાં હોવાના તારણો નવા સરવેમાં સામે આવ્યા પછી મેયર સાદિક ખાને ફ્રી હોલીડે મીલ્સ પ્રોગ્રામ એક વર્ષ માટે લંબાવી દીધો છે. લંડનના મેયરે મોંઘવારીમાં પરિવારોને મદદ કરવા એપ્રિલ 2023માં એક વર્ષ માટે આ યોજનાનો પ્રારંભ કર્યો હતો પરંતુ હવે તેમણે આ યોજનાને વધુ 12 મહિના લંબાવી દીધી છે. આ માટે તેમણે 4 મિલિયન પાઉન્ડની ફાળવણીની જાહેરાત પણ કરી છે.
આ યોજના અંતર્ગત ઓછી આવક ધરાવતા પરિવારોને રેડીમેડ અને કૂક એટ હોમ મીલ્સ પૂરા પાડવામાં આવે છ. મેયર્સ ફંડ ફોર લંડન અને ફેલિક્સ પ્રોજેક્ટ ચેરિટી સાથે મળીને આ યોજના ચલાવી રહ્યાં છે. વિવિધ ચેરિટી અને સ્કૂલ હોલીડે એક્ટિવિટિઝના નેટવર્ક દ્વારા ખોરાકનું વિતરણ કરાય છે.
મેયર સાદિક ખાન પ્રાથમિક શાળાઓના તમામ બાળકોને બપોરનું ભોજન પુરું પાડતા ફ્રી સ્કૂલ મીલ પ્રોગ્રામને પણ વિસ્તારવાની યોજના તૈયાર કરી ચૂક્યાં છે. 2024-25ના શૈક્ષણિક વર્ષમાં પણ પ્રાથમિક શાળાઓના તમામ બાળકોને મધ્યાહ્ન ભોજન પુરું પડાશે.
સાદિક ખાને જણાવ્યું હતું કે, ફ્રી હોલીડે મીલ્સ યોજનાના માધઅયમથી લંડનના લાખો પરિવાર અને યુવાઓને 10 મિલિયન ફ્રી મીલ્સ ઉપલબ્ધ કરાવાયાં છે. અમારી આર્થિક સહાયથી આ યોજના સફળ બની તેનું મને ગૌરવ છે.
લંડનમાં માર્ચ 2025 સુધી ટ્યુબ અને બસના ભાડાં નહીં વધે
મેયર સાદિક ખાને લંડનમાં ટ્યુબ અને બસોના ભાડાંમાં વધારો નહીં કરવાની જાહેરાત કરી છે. તેમણે માર્ચ મહિનાથી નેશનલ રેલ ફેરમાં 4.9 ટકાના પ્રસ્તાવિત વધારાનો અમલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. મેયર સાદિક ખાને ટ્યુબ અને બસના ભાડાં માર્ચ 2025 સુધી યથાવત રાખવાનો નિર્ણય કરતાં 2024-25ના ગ્રેટર લંડન ઓથોરિટીના બજેટમાં 123 મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે.
લંડનમાં વધારાની 1400 બોરિસ ઇ-બાઇક કાફલામાં ઉમેરાશે
ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા લંડનના બોરિસ બાઇક કાફલામાં નવી 1400 ઇ-બાઇક વધારવાનો નિર્ણય લેવાયો છે જેના કારણે લંડનની સડકો પર ઇલેક્ટ્રિક સંચાલિત બાઇક્સની સંખ્યામાં વધારો થશે. હાલ બોરિસ બાઇક કાફલામાં 600 ઇ-બાઇક છે. ઇ-બાઇકના ઘટી રહેલા વપરાશને જોતાં માર્ચ મહિનાથી ઇ-બાઇકની ફી 3 પાઉન્ડ પ્રતિ દિવસ કરવાનો નિર્ણય પણ લેવાયો છે.


