સામાજિક સંપર્ક ટાળોઃ ઘરમાં વાઈરસના લક્ષણ એકને હોય તો પણ બધા અલાયદા જ રહો

Wednesday 18th March 2020 07:12 EDT
 

લંડનઃ બ્રિટિશ સરકારે કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા લોકોને ઘરમાં એકલા રહેવાની સલાહ આપી છે અને તે સંબંધિત માર્ગદર્શિકા પણ જારી કરી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને તેમના મેડિકલ સલાહકારોએ જણાવ્યું છે કે કોરોના વાઈરસના લક્ષણો ધરાવતી કોઈ પણ વ્યક્તિએ ઓછામાં ઓછાં સાત દિવસ ઘરમાં જ રહેવું જોઈએ. સરકારના ગાઈડન્સમાં શક્ય હોય ત્યાં સુધી અન્ય લોકોથી દૂર રહેવા ઉપરાંત અન્ય સલાહો પણ અપાઈ છે.

કોરોના સામે યુદ્ધ કેવી રીતે લડશો
• પબ્સ, ક્લબ્સ, સિનેમા, રેસ્ટોરાં સહિત સામાજિક સંપર્કના સ્થળોને ટાળો • શક્ય હોય ત્યાં ઘરેથી જ કામ કરો • ઘરમાં કોઈને પર કોરોના વાઈરસના લક્ષણ જણાય તો બધાએ ૧૪ દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં રહેવું • ૭૦થી વધુ વયના વયોવૃદ્ધ જૂથોને લક્ષણો ન હોય તો પણ ૧૨ સપ્તાહ માટે સેલ્ફ આઈસોલેશનમાં રહેવું • સામૂહિક કાર્યક્રમો યોજાશે તો તેઓ માટે ઈમર્જન્સી સર્વિસીસની ફાળવણી નહિ કરાય • યુકેના બાકીના વિસ્તારોની સરખામણીએ લંડનમાં કોરોના વધુ પ્રસર્યો હોવાથી લંડનવાસીઓએ ખાસ કરીને સામાજિક સંપર્ક ટાળવો • તમે ચાલવા જશો નહિ પરંતુ, તમારા ખુદના ગાર્ડનમાં ચાલી શકશો. • તમે ઓનલાઈન ખોરાક કે અન્ય સપ્લાય મંગાવી શકો પરંતુ, ડ્રાઈવરને બહાર જ માલસામાન મૂકવા જણાવશો. તેમને અંદર બોલાવશો નહિ. • હવાની સારી અવરજવર અને ખુલી શકે તેવી બારી સાથેના રુમમાં રહો. • તમે રહેતા હો તેમનાથી અલગ રુમમાં રહેશો. • જો આ શક્ય ન હોય તો અન્ય લોકોથી બે મીટર અથવા ત્રણ ડગલાનું અંતર રાખો. • જો શક્ય હોય તો એકલા જ સૂઓ. • તમારા પોતાના અલગ ટુથબ્રશ, ખાવા અને પીવાના વાસણ, ડિશો, ડ્રિન્ક્સ, ટુવાલ, વોશક્લોથ અથવા બેડલિનનનો ઉપયોગ કરશો. • ઘરના અન્ય લોકોથી અલગ સમયે કિચનનો ઉપયોગ કરો તેમજ એકલા જ ભોજન લો. ડિશવોશર હોય તો તેનો ઉપયોગ કરો. • જો તમે સ્તનપાન કરાવતા હો તો અન્ય કોઈને બોટલમાં દૂધ રાખી બાળકને પીવડાવવા કહો. • વપરાયેલા ટિસ્યુ સહિતનો તમારો અંગત કચરો બે અલગ થેલીમાં રાખો અને ૭૨ કલાક પછી ઘરના અન્ય કચરા સાથે એકત્ર કરો. • તમારા ગંદા વસ્ત્રો-લોન્ડ્રીને ખંખેરશો નહિ આનાથી વાઈરસ હવામાં ફેલાની શક્યતા તદ્દન ઘટી જાય છે. • જો તમારી પાસે વોશિંગ મશીન ન હોય તો લોન્ડ્રીમાં જતા પહેલા તમારો આઈસોલેશન પીરિયડ પૂરો થવાની રાહ જુઓ. • પાણી પીતા રહીને શરીરને જળયુક્ત રાખો. • તમારા હાથ અવારનવાર સાબુ અને પાણી વડે ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી ધોઈ સ્વચ્છ રાખો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter