લંડનઃ સામાજિક સંવાદિતાના ક્ષેત્રની સેવાની નોંધ લઈ કિશન દેવાણીને ૨૦૨૦ના ક્વીન્સ ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (BEM)થી સન્માનિત કરવામાં આવ્યા છે. દેવાણીએ અગાઉ ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડનનું સન્માન મેળવ્યું છે અને તેમને ફેલો ઓફ રોયલ સોસાયટી ઓફ ધ આર્ટ્સ બનાવાયા છે. આમ યુકેની BAME કોમ્યુનિટીઝમાં નાની વયમાં જ આ ત્રણ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ પ્રથમ વ્યક્તિ છે.
કિશન દેવાણીના પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સ યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીન દ્વારા હકાલપટ્ટી કરાયા પછી ૧૯૭૦ની દાયકામાં યુકે આવી પહોંચ્યા હતા. ધાર્મિક અભ્યાસના પૂર્વ શિક્ષક દેવાણી સમગ્ર યુકેમાં પ્રવાસ કરતા રહ્યા છે અને BAME કોમ્યુનિટીના યુવાનોને બ્રિટિશ નાગરિક જીવન, સખાવતી કાર્યો અને જાહેર જીવનમાં સામેલ થવાની હાકલ કરતા રહ્યા છે. કિશન દેવાણીએ વિવિધ BAME કોમ્યુનિટીઓ અને તેના યુવાનોને સાથે લાવવામાં કાર્યરત ચેરિટી ‘યુનિટી ઓફ ફેઈથ્સ ફાઉન્ડેશન’ના સલાહકાર તરીકે યુકે અને વિશ્વમાં શાંતિ, પ્રેમ અને સંવાદિતાનો સંદેશ ફેલાવવાની ભૂમિકામાં કાર્ય કર્યું છે. તેઓ રિલિજીઅસ એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના વિશેષ દૂત તરીકે પણ યુકેના સમુદાયોમાં સાચી સમજનું નિર્માણ કરવામાં આગળ છે.
યુકેમાં BAME યુવાનો માટે પ્રેરણાદાયી આદર્શ કિશન દેવાણીએ સન્માન બાબતે જણાવ્યું હતું કે,‘ મહારાણી દ્વારા આ સન્માન જાહેર કરાયાથી હું આનંદ અને વિનમ્રતા અનુભવું છું. હું મૂળભૂતપણે દીવાલો નહિ, સેતુનિર્માણમાં માનું છું. કોમ્યુનિટીઓ સાથે મળીને કામ કરે અને તેમની સમાનતાઓને સાધે ત્યારે વધુ મજબૂત બને છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મારા ગુરુ અને પ્રેરણા છે જેમના ‘અન્યોની ખુશીમાં આપણી ખુશી’ના સિદ્ધાંતોને હું જીવનમાં ઉતારવા પ્રયત્ન કરું છું. મને આ સન્માન આપવા બદલ હું મહારાણી અને કેબિનેટ ઓફિસનો આભારી છું. હું આ સન્માન મારા પરિવાર અને વિશેષતઃ મારી માતા અને પત્નીને અર્પણ કરું છું, જેમના સમર્પણોએ મને નાની વયે સિદ્ધિઓ હાંસલ કરવાની તક આપી છે. હું આ સન્માન વિશ્વને સારું વસવાલાયક સ્થળ બનાવવા માટે સમર્પિત તમામ અજાણ્યા કર્મશીલોને પણ અર્પણ કરીશ.’