સામાન્ય અપરાધ કરનારા વિદેશીઓને દેશનિકાલ કરવાની સરકારની યોજના

ઇંગ્લેન્ડની જેલોમાં કેદીઓનું ભારણ ઓછું કરવા આ યોજના તૈયાર થઇ રહી છે

Tuesday 27th February 2024 10:54 EST
 

લંડનઃ દુકાનોમાંથી સામાન ઉઠાવનારા, ચોરી કરનારા અને ડ્રગ ડિલિંગ કરનારા વિદેશી અપરાધીઓની સામે કોર્ટમાં કેસ ચલાવવાને બદલે દેશનિકાલ કરવાની યોજના પર સરકાર કામ કરી રહી છે. જસ્ટિસ સેક્રેટરી એલેક્સ ચાકનું કહેવું છે કે આ યોજનાથી જેલોને ખાલી કરી શકાશે.

એલેક્સ ચાકે જણાવ્યું હતું કે સામાન્ય પ્રકારના અપરાધ કરનારા વિદેશીઓને જેલમાં ધકેલવાના બદલે દેશનિકાલ કરાશે અને તેમના બ્રિટનમાં પરત આવવા પર પ્રતિબંધ લદાશે. પોલિસિંગ મિનિસ્ટર ક્રિસ ફિલિપને દેશનિકાલની આ યોજના તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ છે. આ યોજના દ્વારા જેલમાં રિમાન્ડ પર રહેલા 3300 વિદેશીઓ સામે પગલાં લેવાશે. હજુ તેમના પર આરોપ સિદ્ધ થયાં નથી. હાલ ઇંગ્લેન્ડની જેલોમાં 10,441 વિદેશી કેદીઓ છે.

જોકે આ યોજના સફળ થવા પર શંકા સેવાઇ રહી છે કારણ કે અપરાધીઓ દેશનિકાલના નિર્ણયને અદાલતમાં પડકારી શકે છે. સરકારે પોલેન્ડ અને રોમાનિયા સાથે કેદીઓ તેમના વતનના દેશમાં સજા ભોગવે તે માટે મંત્રણા શરૂ કરી છે. જેમની સજા પૂરી થવાના આરે છે તેવા વિદેશીઓને પણ દેશનિકાલ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. સરકાર અપરાધીઓને રાખવા પોલીસ સેલનો ઉપયોગ પણ ફરી શરૂ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter