લંડનઃ લેબર નેતા જેરેમી કોર્બીને જાહેર કર્યું હતું કે આગામી જનરલ ઈલેક્શનમાં લેબર પાર્ટીનો પરાજય થશે તો પણ તેઓ પક્ષના નેતા તરીકે ચાલુ જ રહેશે. તેમને હોદ્દા પરથી હટાવવાનો નિર્ણય સભ્યોએ લેવાનો છે. નેતાપદની સ્પર્ધામાં તેમના હરીફ ઓવેન સ્મિથને લોકલ લેબર પાર્ટીઓ તરફથી ૨૪ નોમિનેશન્સની સામે કોર્બીનને ૧૨૦ નોમિનેશન મળ્યા છે.
મહત્ત્વની ઘટનામાં આંતરિક ચૂંટણીમાં NECના આઠમાંથી છ પદમાં કોર્બીનના સાથી વિજયી થયા હતા. બીજી બાજુ, સ્મિથની ઝુંબેશને આંચકો આપતા ચુકાદામાં હાઈકોર્ટના જસ્ટિસ હિકિનબોટમે ઠેરવ્યું હતું કે ગયા જાન્યુઆરીથી પક્ષમાં જોડાયેલા ૧,૩૦,૦૦૦ લોકોને નેતાપદની ચૂંટણીમાં મતદાનની પરવાનગી આપવી પડશે. તે પૈકી મોટાભાગના સભ્યોનું કોર્બીનને સમર્થન હોવાનું નિષ્ણાતો માને છે.
કોર્બીને જણાવ્યું હતું કે જનરલ ઈલેક્શનને હજુ ચાર વર્ષ બાકી છે ત્યારે તેના પરિણામ વિશે આગાહી કરવાની જરૂર નથી. લેબર સાંસદો માને છે કે ચૂંટણીમાં પરાજય જ કોર્બીનને હરાવવાનો એક માત્ર ઉપાય છે.
પ્રચારમાં અગાઉ ઓવેન સ્મિથે પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને નવી જોબ્સ માટે ૨૦૦ બિલિયન પાઉન્ડના રોકાણનું વચન આપ્યું હતું. કોર્બીને આ ક્ષેત્રો માટે આગામી ૧૦ વર્ષમાં ૫૦૦ બિલિયન પાઉન્ડના જંગી રોકાણ ઉપરાંત, સંપૂર્ણ રોજગારી, NHSમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો અંત તેમજ પાંચ મિલિયન કાઉન્સિલ મકાનો બાંધવાનું વચન આપ્યું હતું.


