સામાન્ય બિમારીઓ માટે જીપીના પ્રિસ્ક્રિપ્શન વિના જ ફાર્મસી પરથી દવા મેળવી શકાશે

વડાપ્રધાન સુનાકની નવી યોજનાના કારણે જીપીની એપોઇન્ટમેન્ટ પરનો બોજો ઘટશે

Tuesday 09th May 2023 13:25 EDT
 
 

લંડનઃ જીપી પરનો બોજો ઘટાડવા અને લાખો એપોઇન્ટમેન્ટ ઓછી કરવા માટેની વડાપ્રધાન રિશી સુનાક દ્વારા તૈયાર કરાયેલી યોજના અંતર્ગત સાત સામાન્ય બીમારીઓ માટે દર્દીઓને જીપી પાસે જવાની જરૂર નહીં રહે. વડાપ્રધાન રિશી સુનાક દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર ગળાની ખારાશ, કાનનો દુઃખાવો, દાદર જેવા ચામડીના રોગો સહિતની સામાન્ય બિમારીઓ માટે દર્દી જીપીની એપોઇન્ટમેન્ટ વિના ફાર્મસી ખાતેથી જ પ્રિસ્ક્રિપ્શન દવા પ્રાપ્ત કરી શકશે. જીપીનું વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે આ પ્રયાસ કરાયો છે.

વડાપ્રધાન રિશી સુનાકની આ યોજનાના કારણે દોઢ કરોડ જેટલી જીપી એપોઇન્ટમેન્ટ મુક્ત થશે. તેના કારણે જરૂરીયાતમંદ દર્દીઓને ઝડપથી એપોઇન્ટમેન્ટ મળી શકશે. તેનો અર્થ એ થયો કે સામાન્ય બિમારી ધરાવતા લાખો દર્દીઓ ડોક્ટરને બતાવ્યા વિના જ પ્રિસ્ક્રિપ્શન મેડિસિન ફાર્મસી પાસેથી મેળવી શકશે.

આ યોજનાનો પ્રારંભ આગામી શિયાળાથી થશે જે અંતર્ગત સામાનાય બિમારીઓ માટે ફાર્માસિસ્ટ સીધા જ દર્દીને એન્ટિબાયોટિક્સ અને એન્ટિવાયરલ દવાઓ આપી શકશે. સરકારની યોજનાને આવકારતા રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના ચેરમેન થોર્રુન ગોવિંદે જણાવ્યું હતું કે,  યોજના દર્દીઓ માટે ગેમ ચેન્જર બની રહેશે. સાઉધમ્પ્ટનમાં ફાર્મસીનું સંચાલન કરતા રિશી સુનાકના મતાએ જણાવ્યું હતું કે, ડોક્ટર પાસે જવાનું નહીં રહે તેના કારણે દર્દીઓ સામાન્ય બિમારીઓ માટે ઝડપથી દવા પ્રાપ્ત કરી શકશે.

કઇ બિમારીઓ માટે ફાર્મસીમાંથી સીધી દવા મેળવી શકાશે

1 કાનનો દુઃખાવો

2 મહિલાઓમાં યુરિનરી ઇન્ફેક્શન

3 ગળાની ખારાશ

4 સાઇનસાટિસ

5 ઇમ્પેટિગો (ચામડીનો રોગ)

6 દાદર

7 ઝેરી જંતુ કરડવા માટે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter