લંડનઃ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે સ્પષ્ટ કર્યું છે કે યુકેમાં સામાન્ય લોકો માટે ફરજિયાત કોવિડ વેક્સિન યોજના લાગુ નહિ કરાય. તેમણે કહ્યું છે કે વેક્સિન લેવું તે રચનાત્મક પસંદગીની બાબત છે. ઓસ્ટ્રિયામાં સંક્રમણનો નવો દોર ચાલુ થયા પછી કોવિડ વેક્સિન લેવાનું ફરજિયાત બનાવાયું છે તે સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો હેલ્થ સેક્રેટરીએ ઉત્તર વાળ્યો હતો.
હેલ્થ સેક્રેટરી જાવિદે બીબીસીના કાર્યક્રમમાં યુકે વેક્સિન લેવામાં ખચકાટના અલ્પ પ્રમાણ બાબતે નસીબવંતુ હોવાનું જણાવી ફરજિયાત વેક્સિનના સૂચનને ફગાવી દીધું હતું. તેમણે કહ્યું હતું કે લોકોમાં ખચકાટ હોય તો તેમને સમજાવી વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરીશું. યુકેનો બૂસ્ટર ડોઝ પ્રોગ્રામ શિયાળામાં લોકડાઉનની શક્યતા અટકાવશે. આશરે ૧૫ મિલિયન બૂસ્ટર ડોઝ આપી દેવાયા છે.
યુરોપ ખંડમાં કોવિડ સંક્રમણની ચોથી લહેર ફેલાઈ છે ત્યારે જર્મની, ઓસ્ટ્રિયા અને સ્લોવેકિઆમાં લોકડાઉનના કેટલાક નિયંત્રણો ફરી લાદવાની ફરજ પડી છે. જેમાં, કોવિડ વેક્સિન નહિ લેનારા લોકોને લક્ષ્ય બનાવાઈ રહ્યા છે.
૧ મિલિયનથી વધુ બાળકોને કોવિડ વેક્સિન
ઈંગ્લેન્ડમાં NHS દ્વારા ૧૨-૧૫ વયજૂથના ૧ મિલિયનથી વધુ બાળકોને કોવિડ-૧૯ વેક્સિન અપાઈ ગયું છે. NHS ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું કે આશરે ૩૫૦૦ શાળાઓમાં વેક્સિન ક્લિનિક્સ યોજાયા હતા અને વધુ ૮૦૦ શાળામાં ક્લિનિક્સ યોજાશે. ફાઈઝર-બાયોએનટેક દ્વારા ૨૦ સપ્ટેમ્બરથી ૧૨-૧૫ વયજૂથના બાળકો માટે વેક્સિનની સિંગલ ડોઝની ઓફર કરાઈ હતી. જોકે, યુએસ અને ઘણા ઈયુ દેશો કરતા ઈંગ્લેન્ડમાં વેક્સિન મોડું ઓફર કરાયું હતું. ઈંગ્લેન્ડમાં ૧૨-૧૫ વયજૂથના આશરે ૩ મિલિયન બાળકો કોવિડ-૧૯ વેક્સિનનો સિંગલ ડોઝ મેળવવાને લાયક છે.


