લંડનઃ યુકેમાં સૌથી લોકપ્રિય એવા સાયકેમોર ગેપ ટ્રીને કાપી નાખનાર 39 વર્ષીય ડેનિયલ ગ્રેહામ અને 32 વર્ષીય એડમ કારરુથર્સને ચાર વર્ષ અને 3 મહિના કેદની સજા કરાઇ છે. સપ્ટેમ્બર 2023માં આ બંનેએ કથિત શરાબના નશામાં વૃક્ષને કાપી નાખ્યું હતું. જેના પગલે ફક્ત યુકે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દુઃખ અને આક્રોશ વ્યાપી ગયાં હતાં.
સજાની સુનાવણી કરતાં ન્યૂકેસલ ક્રાઉન કોર્ટના મિસિસ જસ્ટિસ લેમ્બર્ટે જણાવ્યું હતું કે, વૃક્ષ કાપી નાખવા પાછળ તેમનો ઇરાદો શું હતો તે જાણવા મળ્યું નથી પરંતુ પોતે શરાબના નશામાં હોવાનો કારરુથર્સનો દાવો તેમણે ફગાવી દીધો હતો. કારરુથર્સે ચેઇનશોની મદદથી વૃક્ષ કાપી નાખ્યું હતું જ્યારે ગ્રેહામે તેનો વીડિયો બનાવતાં પ્રોત્સાહન આપ્યું હતું.
સાયકેમોર ટ્રીને 19મી સદીના અંત ભાગમાં વવાયું હતું અને હાલના દાયકાઓમાં તે પિકનિક, જન્મદિવસની ઉજવણી, લગ્નનો પ્રસ્તાવ મૂકવા સહિતના પ્રસંગોને યાદગાર બનાવવા લોકપ્રિય સ્થળ બની રહ્યું હતું.


