લંડન
યુનાઇટેડ કિંગડમ અને ભારત વચ્ચે ગયા સપ્તાહમાં સાયન્સ અને ઇનોવેશન પર મહત્વના કરાર કરાયા હતા. ભારતના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહ અને યુકેના સાયન્સ મિનિસ્ટર જ્યોર્જ ફ્રીમેન દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
યુકેના ડિપાર્ટમેન્ટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજીએ જણાવ્યું હતું કે, રિસર્ચ પર બંને દેશ વચ્ચે કરાયેલા એમઓયુના કારણે બંને દેશ વિજ્ઞાન ક્ષેત્રે ઝડપથી અને ગાઢ સહકાર સાધી શકશે. તેનાથી આર્થિક વૃદ્ધિને વેગ મળશે, નવી સ્કિલ્ડ નોકરીઓનું સર્જન થશે અન બંને દેશમાં જીવનધોરણ સુધારવામાં મદદ મળશે.
આ કરારને પગલે મહત્વના ગઠબંધનો આડે લાલ ફિતાશાહી આવશે નહીં. ક્લાઇમેટ ચેન્જ, મહામારી સામેની લડાઇ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિતના વિશ્વ સમક્ષના મોટા પડકારોનો સામનો કરવામાં પ્રગતિ કરી શકાશે.
યુકેના સાયન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ કરાર અંતર્ગત ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા કાર્બનને ઘટાડવા પર એક નવા યુકે-ઇન્ડિયા નટ ઝીરો ઇનોવેશન વર્ચ્યુઅલ સેન્ટરની સ્થાપના કરાશે. તે ઉપરાંત બંને દેશ પહેલીવાર ઊંડા દરિયામાં સંશોધન કરવાનો સંયુક્ત પ્રયાસ કરશે.


