સાયબર ક્રાઇમ અને કોલ સેન્ટર સ્કેમની તપાસમાં સહકાર માટે યુકે-ભારત સહમત

ભારતે યુકેમાં ભારતીય રાજદ્વારી મિશનોની સુરક્ષાના ઉલ્લંઘન અને ખાલિસ્તાનીઓની ધમકીઓ પર ચિંતા વ્યક્ત કરી

Tuesday 03rd March 2026 11:49 EST
 
 

લંડનઃ તાજેતરમાં નવી દિલ્હી ખાતે 6ઠ્ઠા ઇન્ડિયા-યુકે હોમ અફેર્સ ડાયલોગનું આયોજન કરાયું હતું. જેમાં યુકે અને ભારત સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન્સ, મોડર્ન સ્લેવરી અને કોલ સેન્ટર સ્કેમ્સ અંગેની માહિતીની આપ-લે કરવા સહમત થયાં હતાં. બેઠકમાં યુકેમાં ભારતીય રાજદ્વારી મિશનોની સુરક્ષાના ઉલ્લંઘન મુદ્દે ભારત દ્વારા ચિંતા વ્યક્ત કરાઇ હતી.

યુકેના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ હોમ ઓફિસના સેકન્ડ પરમેનેન્ટ સેક્રેટરી સાયમન રિડલી અને ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી ડો. રાજેન્દ્ર કુમારે કર્યું હતું. બેઠકમાં બંને પક્ષ દ્વારા વર્તમાન સહકારનું મૂલ્યાંકન કરાયું હતું અને આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામે સક્રિય સહયોગ માટે પરસ્પર હિતોના વધુ ક્ષેત્રો અને સહયોગની ઓળખ કરી હતી જેમાં ખાલિસ્તાની તરફી ઉગ્રવાદીઓ અને યુકેમાં ભારત વિરોધી જૂથોની પ્રવૃત્તિઓ, ડ્રગ હેરફેર, સ્થળાંતર, ફોજદારી ન્યાય અને કાયદા અમલીકરણ સહયોગ, સાયબર સુરક્ષા સહિત અન્ય મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

બેઠક બંને પક્ષોના સહકારના હાલના સ્તર પર પરસ્પર સંતોષ અને બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવાની ગતિ જાળવી રાખીને દ્વિપક્ષીય જોડાણને મજબૂત બનાવવાના કરાર સાથે સમાપ્ત થઈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter