સાયબર હુમલોઃ યુકેનો ચીન પર પ્રતિબંધ

બ્રિટિશ ચૂંટણી પંચ પર સાયબર હુમલો કરી 40 મિલિયન નાગરિકોની માહિતી તફડાવ્યાનો આરોપ, બ્રિટિશ સાંસદો, અમેરિકન સેનેટરો, ડિફેન્સ કોન્ટ્રાક્ટરો પણ હેકિંગનો ભોગ બન્યાં, ચીને આરોપો નકાર્યાં

Tuesday 26th March 2024 13:44 EDT
 
 

લંડનઃ બ્રિટનના ઇલેક્શન વોચડોગ અને સાંસદો પર સાયબર એટેક કરવાનો આરોપ મૂકી યુકેએ ચીન પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. યુકે અને અમેરિકા દ્વારા ચીનના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યુરિટી સાથે સંકળાયેલી કંપની વુહાન શિઓરુઝી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને બે ચીની નાગરિકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે.

યુકે અને અમેરિકાએ હેકિંગ ગ્રુપને થ્રેટ31 અથવા તો એપીટી31 નામ આપી તેને ચીનના સ્ટેટ સિક્યુરિટી મંત્રાલયની એક પાંખ ગણાવ્યું છે. આ ગ્રુપમાં સામેલ 7 હેકરો યુકે અને અમેરિકા ઉપરાંત બેઇજિંગની ટીકા કરનારા યુકેના સાંસદો, અમેરિકાના સેનેટરો, સમગ્ર વિશ્વના સરકારી અધિકારીઓ, ડિફેન્સ કોન્ટ્રાક્ટરોને પોતાનું નિશાન બનાવ્યા હતા. તેઓ આ રીતે ચીનના ટીકાકારોના મોં બંધ કરવા માગતા હતા.

ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને જણાવ્યું હતું કે, યુકેના ચૂંટણી પંચ અને સાંસદો પર બદઇરાદાથી ચીની સરકાર દ્વારા સમર્થિત હેકરો દ્વારા સાયબર હુમલા કરાયા છે. ચીની હેકરોએ આ હુમલા દ્વારા યુકેના 40 મિલિયન મતદારોની વ્યક્તિગત માહિતી તફડાવી છે. જે દર્શાવે છે કે આ હુમલાઓ પાછળ ચીનનો બદઇરાદો છે. યુકેના વિદેશ મંત્રાલય દ્વારા ચીની રાજદૂતને તેડાવીને આ હુમલાઓ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે. ડાઉડેને જણાવ્યું હતું કે, યુકેના લોકતાંત્રિક સંસ્થાનો અને રાજકીય નેતાઓને લક્ષ્યાંક બનાવતા કોઇપણ પ્રકારના વલણ માટે યુકે બેઇજિંગ સામે તાબડતોબ આકરાં પગલાં લેશે.

જોકે ડાઉડેને ચીનને દેશ માટે જોખમી હોવાનું જાહેર કરવાનું ટાળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યુકે ચીન સાથે રાષ્ટ્રીય હિતમાં વેપાર અને ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર સંબંધો જારી રાખશે.

2021 અને 2022 વચ્ચે થયેલા સાયબર હુમલા પાછળ ચીની સરકાર સમર્થિત હેકિંગ ગ્રુપ જવાબદાર હોવાનું જીસીએચક્યૂની તપાસમાં બહાર આવ્યા બાદ ડાઉડેનનું આ નિવેદન આવ્યું છે. આ હુમલામાં 2014થી 2022 વચ્ચે નોંધાયેલા મતદારોની વ્યક્તિગત માહિતી તફડાવી લેવામાં આવી હતી.

પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ચીનને બ્રિટનની રાષ્ટ્રીય સુરક્ષા માટે ધમકીરૂપ દેશ જાહેર કરવાની માગ કરી હતી. તેમણએ સાંસદોને જણાવ્યું હતું કે, હવે સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ચીન ભરોસાપાત્ર દેશ રહ્યો નથી. તે આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ધમકી સર્જી રહ્યો છે.

જોકે યુકે અને યુએસ સ્થિત ચીની રાજદ્વારીઓએ આ આરોપોને નકારી કાઢ્યાં છે. લંડન સ્થિત ચીની દૂતાવાસે આરોપોને ઉપજાવી કાઢેલા અને બદઇરાદાભર્યા ગણાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter