લંડનઃ દુનિયાના સૌથી વિકસિત દેશો પૈકીના એક બ્રિટનમાં પણ સારવારના અભાવ લાખો દર્દી મોતને ભેટી રહ્યાં હોવાનો ખુલાસો NHSના આંકડામાં થયો છે. NHSના આંકડા પ્રમાણે ગયા વર્ષે સારવાર માટે રાહ જોઇ રહેલા 1,17,000 દર્દીઓનાં મોત થયાં હતાં. લંડન ખાતેના NHS ટ્રસ્ટોના વેઇટિંગ લિસ્ટમાં રહેલા હજારો દર્દીઓનો સમાવેશ થાય છે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે હોસ્પિટલોમાં લાખો લોકોને અપાયેલી કોરોના વાઇરસની સારવારના લીધે અન્ય બિમારીઓથી પીડાતા દર્દીઓને સારવાર માટે લાંબી રાહ જોવી પડી છે. લેબર પાર્ટીની વિનંતીને પગલે NHS ટ્ર્સ્ટો દ્વારા અપાયેલા આંકડાથી આ સત્ય બહાર આવ્યું છે. NHSના 67 ટ્રસ્ટો દ્વારા 34,896 મોત જાહેર કરાયાં હતાં. લેબર પાર્ટીનું કહેવું છે કે તમામ ટ્રસ્ટોનો આંકડો એકઠો કરીએ તો તે 1,16,667 થવા જાય છે.
કોરોના મહામારી પહેલાંના વેઇટિંગ લિસ્ટ કરતાં સારવારની રાહ જોતા દર્દીઓની સંખ્યા બમણી બની છે. ફક્ત 61.7 ટકા દર્દીઓને જ 18 સપ્તાહની સમયમર્યાદામાં સારવાર ઉપલબ્ધ બની છે. NHS ઇંગ્લેન્ડના આંકડા અનુસાર એપ્રિલ 2022 સુધીમાં વેઇટિંગ લિસ્ટનો આંકડો 3,23,093 પર પહોંચી ગયો હતો. હેલ્થ સર્વિસ જરનલના જણાવ્યા અનુસાર 10,000 કરતા વધુ દર્દી 3મહિના કરતાં વધુ સમયથી કેન્સરની સારવારની રાહ જોઇ રહ્યાં છે.
શેડો હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગના જણાવ્યા અનુસાર નોન ઇમર્જન્સી NHS કેરમાં સારવાર માટેના વેઇટિંગ લિસ્ટમાં 65 લાખ જેટલાં દર્દી છે. NHSના ઇતિહાસમાં પહેલી વાર વેઇટિંગ લિસ્ટમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે રાહ જોઇ રહ્યાં છે. આ જીવન-મરણનો સવાલ છે. NHS દ્વારા સમયસર સારવાર ઉપલબ્ધ નહીં થવાના કારણે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી શકે છે જે આપણે ટાળી શકીએ તેમ છીએ. તેમાંના મોટી સંખ્યામાં દર્દીઓના રોગનું હજુ નિદાન પણ થઇ શક્યું નથી.
કયા NHS ટ્રસ્ટમાં કેટલું વેઇટિંગ લિસ્ટ
•1,07,695 બાર્ટ્સ હેલ્થ લંડન
• 91,421 ગાય્સ એન્ડ સેન્ટ થોમસ
• 89,925 રોયલ ફ્રી
• 61,617 બાર્કિંગ, હાવરિંગ એન્ડ રેડબ્રિજ
• 26,996 હિલિંગ્ડન હોસ્પિટલ

