લંડનઃ સરેમાં પોતાના નિવાસસ્થાનમાં જ 10 વર્ષની દીકરી સારા શરિફ પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારી 8 ઓગસ્ટ 2023ના રોજ તેની હત્યા કરવા માટે સારા શરિફના પિતા ઉરફાન શરિફ અને સાવકી માતા બૈનાશ બતૂલને દોષી ઠેરવાયાં બાદ બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મંગળવારે મિસ્ટર જસ્ટિસ કાવાનાઘે ઉરફાન શરિફને લઘુત્તમ 40 વર્ષ અને બૈનાશ બતૂલને 33 વર્ષની સજા આપી હતી. ઉરફાન શરિફના ભાઇ ફૈસલ મલિકને સારાનું મોત થવા દેવા માટે દોષી ઠેરવાયો છે. અદાલતે તેને 16 વર્ષ કેદની સજા ફટકારી હતી. સારાની હત્યા બાદ આ ત્રણે પાકિસ્તાન નાસી ગયાં હતાં.
જ્યૂરીએ ફક્ત બે દિવસના વિચારવિમર્શ બાદ તેનો ચુકાદો આપી દીધો હતો. ચુકાદો જાહેર કર્યા બાદ મિસ્ટર જસ્ટિસ કાવાનાઘે જણાવ્યું હતું કે, આ કેસ અત્યંત તણાવપૂર્ણ રહ્યો હતો. ભવિષ્યમાં પણ અપરાધીઓને જ્યૂરીની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે નહીં.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના જ્યુડિથ રીડે જણાવ્યું હતું કે, આખરે સારાને ન્યાય મળ્યો છે. કરૂણાંતિકા તો એ હતી કે સારાને જેમના તરફથી ભરપૂર પ્રેમ અને સંરક્ષમ પ્રાપ્ત થવા જોઇતાં હતાં તેમણે જ તેની હત્યા કરી હતી. આ કેસના કેન્દ્રમાં હસતી રમતી 10 વર્ષની સારા શરિફ હતી. જેના પર ક્રુરતાપૂર્ણ અત્યાચારો કરાયા અને તેની અત્યંતના નિકટના સ્વજનો દ્વારા જ તેની હત્યા કરાઇ હતી.


