સારી અને સ્વસ્થ લાઈફસ્ટાઈલ ડિમેન્શિયાનું જોખમ ઘટાડે

Tuesday 16th February 2016 15:06 EST
 

લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર તંદુરસ્ત લાઈસ્ટાઈલ્સ અને વધુ સારા શિક્ષણના પરિણામે ૨૦ વર્ષમાં જીવનને વેરાન બનાવતા અલ્ઝાઈમર્સ જેવા મગજના રોગનું પ્રમાણ ૨૨ ટકા ઘટી ગયું છે. જોકે, કુલ સંખ્યામાં ઘટાડો થયો નથી કારણકે ભૂતકાળની સરખામણીએ દેશમાં વૃદ્ધોની સંખ્યા વધી છે. ૧૯૭૪માં વસ્તીમાં ૬૫થી વધુ વયના લોકોનું પ્રમાણ૧૪ ટકા હતું જે આજે ૧૮ ટકા છે. સ્મૃતિભ્રંશના રોગમાં સ્પષ્ટપણે વિચારવા કે ભૂતકાળને યાદ રાખવાની ક્ષમતાનો નાશ થાય છે.

મેડિકલ રિસર્ચ કાઉન્સિલ પ્રાયોજિત કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસમાં બે દાયકા અગાઉ ડિમેન્શિયાનું પ્રમાણ ધ્યાને લેવાયું હતું, જેમાં ૬૫થી વધુ વયના ૮.૩ ટકા લોકો ડિમેન્શિયાગ્રસ્ત હતા. જોકે, વર્તમાનમાં તે જ વયજૂથના લોકોના અભ્યાસમાં જણાયું હતું કે પ્રમાણ ઘટીને ૬.૫ ટકા થયું હતું, એટલે ૨૨ ટકાનો ઘટાડો હતો. આશરે ૮૫૦,૦૦૦ બ્રિટિશરો ડિમેન્શિયાથી પીડાય છે. જો પ્રમાણ ઘટ્યું ન હોત તો તેની સંખ્યા ૨૦૦,૦૦૦- ૩૦૦,૦૦૦ની વચ્ચે હોત.

અલ્ઝાઈમર્સ સોસાયટીના ચીફ એક્ઝીક્યુટિવ જેરેમી હ્યુજિસે જણાવ્યું હતું કે, નિયમિત કસરત, ઓછું શરાબપાન અને ધૂમ્રપાન નહિ કરવાથી વાસ્ક્યુલર ડિમેન્શિયા અને સંભવતઃ અલ્ઝાઈમર્સ થવાનું જોખમ નોંધપાત્ર ઘટે છે. લાઈફસ્ટાઈલ પરિબળો પણ આ જોખમ ઘટાડવામાં શક્તિશાળી ભૂમિકા ભજવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter