લંડનઃ બર્મિંગહામના કિંગ્સ નોર્ટન ખાતેના ઘરમાં યુવા દંપતી વાસિફ હૂસૈન (21) અને નાબેલા તબસ્સુમ (19)ને તેમની સાવકી માતા આરીફા નાઝમીન પર હુમલો કરી હત્યાના પ્રયાસ બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં 27 માર્ચે જ્યૂરીએ દોષિત ઠરાવ્યા હતા. તેમને 21 મેના દિવસે સજાની જાહેરાત કરાનાર છે.
વાસિફ હૂસૈન અને નાબેલા તબસ્સુમે ગત વર્ષે 29 જાન્યુઆરી, સોમવારની સાંજે પ્રાણીઓના માસ્ક પહેરી હથોડી અને નાઈફ વડે સાવકી માતા આરીફા પર હુમલો કર્યો હતો. લોહીલૂહાણ થયેલી માતાએ તેને છોડી દેવાં વિનંતીઓ કરી હતી. તેણે ઘરની ઉપરના ભાગે પહોંચી મદદ માટે બૂમો પાડી હતી. હૂસૈન અને તબસ્સુમ નાસી છૂટ્યાં હતાં. જોકે, બીજા દિવસે તેમની ધરપકડ કરી લેવાઈ હતી. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે આરીફાની હત્યા પછી તેનું શરીર બાળી દેવાની દંપતીની યોજના હતી.
હૂસૈન અને તબસ્સુમની 2023માં ઓનલાઈન મુલાકાત થઈ હતી અને છ મહિના પછી રૂબરુ મળ્યાં હતા. તે જ વર્ષે 10 ડિસેમ્બરે લગ્ન થયા પછી તબસ્સુમ પતિના ઘેર રહેવા આવી હતી. જોકે, આરીફાએ તેઓ ઘરનો ઉપયોગ હોટલની માફક કરતાં હોવાંના તેમજ કામકાજ ન કરવાના આક્ષેપો કર્યાં પછી સંબંધોમાં કડવાશ આવી હતી.