લંડન
બ્રિટનની વોટર કંપનીઓ હવે પાણીનું રેશનિંગ લાગુ કરવા જઇ રહી છે. અહેવાલો અનુસાર વોટર કંપનીઓ કપડાં ધોવામાં, રસોઇમાં, સાફસફાઇમાં અને બગીચામાં વપરાતા પાણી માટે એક મર્યાદા નક્કી કરવાની તૈયારીમાં છે. જે અંતર્ગત મર્યાદાથી વધુ પાણીનો વપરાશ કરનાર પરિવારો પાસેથી વધારાનો ચાર્જ વસૂલાશે. એક અંદાજ પ્રમાણે જે લોકો પાણીનો વધુ વપરાશ કરે છે તેમની પાસેથી 160 ટકા વધુ ચાર્જ વસૂલાશે. જેના પગલે 1000 લિટર પાણીના વપરાશ પર 1.50 પાઉન્ડથી 4 પાઉન્ડ વસૂલાશે. આગામી ઉનાળામાં પાણીના વપરાશ પેટે વધુ ચાર્જ વસૂલવામાં આવે તેવી પણ સંભાવના છે.
જોકે જે પરિવારો ગાર્ડનમાં વોટર બટ્ટ ધરાવતા હશે તેમને પાણીના બિલમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેવી પણ સંભાવના છે. વોટર કંપનીઓની આ સ્કીમને ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટર ઓફવોટ દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. ઓફવોટનું કહેવું છે કે વોટર કંપનીઓ પાણીના ચાર્જ વસૂલવામાં વધુ રચનાત્મક વલણ અપનાવે. જેથી લોકોને વધુ ચોકસાઇથી પાણીનો વપરાશ કરવા પ્રોત્સાહિત કરી શકાય.
સાઉથઇસ્ટમાં 3.8 મિલિયન લોકોને પાણી પૂરું પાડતી એફિનિટી વોટર કંપની આ વર્ષે ટ્રાયલ બેઝ પર 1500 ગ્રાહકોને નવી સ્કીમ પ્રમાણે પાણીના બિલ મોકલશે જે અંતર્ગત 30,000 લિટર પાણીના વપરાશ પર કોઇ ચાર્જ વસૂલવામાં નહીં આવે. તે ઉપરાંતના 2,50,000 લિટર સુધીના પાણીના વપરાશ માટે પ્રતિ 1000 લિટર 1.50 પાઉન્ડની વસૂલાત કરાશે. 2,50,000 લિટર કરતાં વધુ પાણીનો વપરાશ કરતા પરિવારો પાસેથી પ્રતિ 1000 લિટર 4 પાઉન્ડનો ચાર્જ વસૂલાશે.
બ્રિટનમાં એક પરિવાર વર્ષે સરેરાશ 1,11,000 લિટર પાણીનો વપરાશ કરે છે. 3 લાખ લિટર પાણીનો વપરાશ કરતા પરિવારના પાણીના બિલમાં 33 ટકાનો જ્યારે 4,75,000 લિટર પાણીનો વપરાશ કરનારના બિલમાં 100 ટકાનો વધારો થવાની સંભાવના છે.


