લંડન: ઇંગ્લેન્ડમાં સોમવારથી રસ્તાઓ પર અત્યાધુનિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. વાહનચાલકો દ્વારા કરવામાં આવતી નિયમોની અવગણના ડામવા અને સંભવિત દંડ વસૂલવા માટે પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. સસેક્સ પોલીસ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર લેટેસ્ટ પોલીસ દળ બન્યું છે, જે ખાસ કરીને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરનારા અથવા સીટબેલ્ટ ન બાંધનારા ચાલકોને પકડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આ સુવિધાને કારણે તે દિવસ હોય કે રાત, અથવા ગમે તેવું ખરાબ હવામાન હોય, વિન્ડસ્ક્રીનની આરપાર સ્પષ્ટ તસવીરો ઝડપી શકશે. આ પ્રોજેક્ટ માટેનું ભંડોળ સસેક્સ પોલીસના રોડ સેફ્ટી રિકવરી કોસ્ટમાંથી મેળવવામાં આવ્યું છે.
વાહન ચલાવતી વખતે હાથમાં મોબાઈલનો ઉપયોગ કરવા માટે 200 પાઉન્ડનો દંડ અને 6 પેનલ્ટી પોઈન્ટ્સ મળી શકે છે, જેના કારણે ચાલક પોતાનું લાયસન્સ પણ ગુમાવી શકે છે. સીટબેલ્ટ ન બાંધવા બદલ ગુનાની ગંભીરતા મુજબ દંડ અથવા કાયદેસરની કાર્યવાહીના વિકલ્પ તરીકે અવેરનેસ કોર્સ ઓફર કરવામાં આવી શકે છે.


