લંડનઃ યુકેમાં રેલવે ટ્રેન અને સ્ટેશનો મહિલાઓ માટે સુરક્ષિત રહ્યાં નથી. ટ્રેન અને સ્ટેશનો પર મહિલા વિરોધી અપરાધોમાં ચેતવણીજનક વધારો નોંધાયો છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા વર્ષમાં મહિલા વિરોધી હિંસાના કેસ 5 ટકાના વધારા સાથે 12,082 પર પહોંચ્યા હતા જે વર્ષ 2021ની સરખામણીમાં 59 ટકાનો વધારો દર્શાવે છે.
રેલવે નેટવર્ક પર મહિલાઓ પર સેક્સ્યુઅલ હુમલાના કેસ 10 ટકાના વધારા સાથે 2437થી 2670 પર પહોંચી ગયાં હતાં. જાતીય સતાવણીના કેસ 6 ટકાના વધારા સાથે 1950 નોંધાયા હતા. કોરોના મહામારી બાદ રેલવે નેટવર્કમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે ત્યારે આ આંકડા ચિંતાજનક છે. સૌથી વધુ મહિલા વિરોધી અપરાધો સાંજના 5થી 7 વચ્ચેના વ્યસ્ત કલાકોમાં નોંધાય છે.
આ પહેલાં પણ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલે આ પ્રકારના અપરાધોને રાષ્ટ્રીય કટોકટી ગણાવ્યા હતા. રેલવે કંપનીઓ અને પોલીસ આ પ્રકારના અપરાધો અટકાવવા પ્રયાસ કરી રહી છે. આ માટે સ્ટાફને વિશેષ પ્રકારની તાલીમ પણ આપવામાં આવી રહી છે.


