લંડનઃ નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં વસતા ભારતીય ડાયસ્પોરા મધ્યે સામુદાયિક એકતા, સાંસ્કૃતિક વિચારગોષ્ઠિ અને નાગરિક ભાગીદારીને મજબૂત બનાવવા સાહિબી આનંદની નોર્થ ઇસ્ટ રિજિયોનલ કન્વિનર ઓફ ધ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ભારતીય જનતા પાર્ટી યુકે (OFBJP UK) તરીકે નિમણુંક કરાઇ છે.
OFBJP UKના પ્રેસિડેન્ટ કુલદીપસિંહ શેખાવત દ્વારા આ નિમણુંકની જાહેરાત કરાઇ હતી જેથી સમગ્ર યુકેમાં પ્રાદેશિક લીડરશિપને મજબૂત બનાવી શકાય. નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ, વિદ્યાર્થી, ઉદ્યોગ સાહસિકો અને પરિવારો વસવાટ કરે છે. પ્રદેશના આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં તેમનું યોગદાન દિન-પ્રતિદિન વધી રહ્યું છે. આ નવા પ્રયાસમાં યુકે અને ભારત વચ્ચે જનસંપર્ક મજબૂત બનાવવાનો પ્રયાસ કરાશે.
સાહિબી આનંદજાહેર સેવા અને સંસ્થાકીય અનુભવોનું મહત્વનું ભાથુ ધરાવે છે. તેઓ આ પહેલાં ભારતના મોહાલીમાં ચૂંટાયેલા કોર્પોરેટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ ભારતીય જનતા યુવા મોરચાના નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર પણ હતા.
તેમની નિયુક્તિની જાહેરાત કરતા શેખાવતે જણાવ્યું હતું કે, આનંદની નિયુક્તિમાં પ્રાદેશિક નેતૃત્વને મજબૂત બનાવવા અને સ્થાનિક સમુદાયોને એકજૂથ કરવાના પ્રયાસનું પ્રતિબિંબ ઝળકે છે.


