લંડનઃ પ્લાસ્ટિક પોલ્યુશન સામે યુદ્ધના ભાગરૂપે સરકાર ફેંકી દેવાતી પ્લાસ્ટિક પ્લેટ્સ, કટલરી અને પોલીસ્ટીરિન કપ્સ પર ઈંગ્લેન્ડમાં પ્રતિબંધ લાગુ કરવા આગળ વધશે. આડેધડ ફેંકાતી આવી આઈટમ્સ નદીઓ અને સમુદ્રોને પ્રદુષિત કરે છે અથવા વન્યજીવનને નુકસાન પહોંચાડે છે. મિનિસ્ટર્સ આશા રાખે છે કે વધારાના પ્લાસ્ટિક પર કાપ મૂકતા આવા પ્રતિબંધોથી બિઝનેસીસ ટકાઉ વિકલ્પોમાં રોકાણો કરવા આગળ આવશે. થ્રોઅવે કટલરી, કપ્સ અને પ્લેટ્સ પર પ્રતિબંધ મુદ્દે ઓટમથી પબ્લિક કન્સલ્ટેશનની શરૂઆત કરાશે.
આ વર્ષના અંતે કાયદો બનનારા એન્વિરોન્મેન્ટ બિલ હેઠળ સરકાર બિનટકાઉ પેકેજિંગનો ઉપયોગ કરનારા પ્રોડ્યુસર્સને વધુ કિંમત ચૂકવવી પડે તેવું દબાણ કરવા વધારાની સત્તા મેળવશે. મિનિસ્ટર્સ સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ પર પ્રતિબંધ લગાવવાની વધુ સત્તા મેળવશે. આ સત્તા હેઠળ મિનિસ્ટર્સ સેન્ડવિચ રેપર્સ અથવા ટેઈકઅવે બોક્સીસ જેવી અનેક પ્રકારની પ્લાસ્ટિક આઈટમ્સ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂકી શકે છે. રીસાઈકલિંગને પ્રોત્સાહન આપવા ડિપોઝિટ રિટર્ન સ્કીમ વિશે પણ પરામર્શ મેળવી ૨૦૨૪ સુધીમાં તેમે કાયદો બનાવવા આગળ વધી શકે છે. ડિપોઝિટ રિટર્ન સ્કીમ પર પબ્લિક કન્સલ્ટેશન જૂન મહિનામાં પૂર્ણ થઈ ગયું છે.
સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ સિંગલ યુઝ પ્લાસ્ટિક કટલરી આઈટમ્સ પર પ્રતિબંધની યોજના ધરાવે છે તેમજ યુરોપિયન યુનિયનમાં જુલાઈ મહિનાથી આવો પ્રતિબંધ અમલી બન્યો છે. સરકાર ૨૦૪૨ના અંત સુધીમાં મોટા ભાગના પ્લાસ્ટિક વેસ્ટને અટકાવવા કટિબદ્ધ હોવાનું Defraએ જણાવ્યું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એન્વિરોન્મેન્ટ, ફૂડ અને રુરલ એફેર્સ (Defra)ના આંકડા અનુસાર ઈંગ્લેન્ડમાં દરેક વ્યક્તિ સરેરાશ દર વર્ષે સિંગલ-યુઝની ૧૮ પ્લાસ્ટિક પ્લેટ્સ અને કટલરીની ૩૭ સિંગલ-યુઝ પ્લાસ્ટિક કટલરી આઈટમ્સનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિક ભારે ટકાઉ હોવાથી થોડી મિનિટ માટે ઉપયોગમાં લેવાયેલી વસ્તુ સદીઓ સુધી ટકી રહે છે તેમજ જમીનના પુરાણમાં વપરાય છે અથવા કન્ટ્રીસાઈડ અથવા સમુદ્રોમાં કચરા તરીકે ફેલાય છે. પ્લાસ્ટિક વેસ્ટ ખાવાથી અથવા તેમાં ફસાઈ જવાથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે એક મિલિયનથી વધુ પક્ષી, ૧૦૦,૦૦૦ સસ્તન પ્રાણીઓ અને કાચબા મોતને ભેટે છે.