લંડનઃ સિક નોટનું વેચાણ કરનાર ડોક્ટરની મેડિકલ રજિસ્ટરમાંથી હકાલપટ્ટી કરાશે. આસિફ મુનાફ નામનો આ ડોક્ટર ડો. સિક લિમિટેડ નામની કંપની ચલાવતો તો અને 29 પાઉન્ડમાં જે તે દિવસે સિક નોટ આપતો હતો. તેનું કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્પેન્ડ કરી દેવાયો હતો. હવે તેને મેડિકલ રજિસ્ટરમાંથી હટાવવાની વિચારણા ચાલી રહી છે. આ પહેલાં બીબીસીના એપ્રેન્ટિસ કાર્યક્રમમાં ભાગ લેનાર ડો. મુનાફને યહૂદી વિરોધી પોસ્ટ માટે પણ મેડિકલ રજિસ્ટરમાંથી સસ્પેન્ડ કરાયો હતો.
એક અખબારના પત્રકારોએ સ્ટીંગ ઓપરેશન દ્વારા આ ડોક્ટર પાસેથી કોરોનાના બહાને પાંચ મહિનાની સિક નોટ, એન્ઝાઇટી માટે 6 સપ્તાહની સિક નોટ અને વર્ક ફ્રોમ હોમ કરવા માટે 4 સપ્તાહની સિક નોટ ખરીદી હતી. ડોક્ટરે થોડા જ કલાકોમાં આ સિક નોટ જારી કરી દીધી હતી.
પત્રકારોએ આ પુરાવા જનરલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ રજૂ કરતાં મુનાફ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હાલ આ કેસની સુનાવણી મેડિકલ પ્રેકટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ સમક્ષ ચાલી રહી છે.


