સિકંદરની ૨૦૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમા £૩૮૫,૦૦૦માં વેચાઈ

Wednesday 11th March 2020 06:12 EDT
 
 

લંડનઃ સરેના સટન પ્લેસ ખાતે એક માળીને બગીચાકામ દરમિયાન મહાન વિશ્વવિજેતા એલેકઝાન્ડર (સિકંદર)ની ૨૦૦૦ વર્ષ પ્રાચીન આરસની પ્રતિમા મળી આવી હતી અને ઓક્શન હાઉસ એડમ પેર્ટ્રીજ દ્વારા તેની હરાજીમાંથી તેને ૩૨૦,૦૦૦ પાઉન્ડ મળ્યા હતા.

સરેના ગિલ્ફોર્ડ નજીક સટન પ્લેસના મૂળ માલિક કલાસંગ્રાહક અને અમેરિકન ઓઈલ માંધાતા જીન પોલ ગેટી હતા. એસ્ટેટના બગીચાકામ દરમિયાન અનામી માળીને ૧૯૮૪માં મેસિડોનિયાના શાસક એલેકઝાન્ડર, ધ ગ્રેટની ૧૫ ઈંચની અર્ધપ્રતિમા મળી આવી હતી. અમેરિકન કલાસંગ્રાહક સ્ટેનલી સીગરે ૧૯૮૦માં ગેટીના પુત્ર પાસેથી ૧૬મી સદીની આ ઈમારત ખરીદી હતી અને તેણે માળીને આ કલાકૃતિ ભેટ તરીકે રાખી લેવા જણાવ્યું હતું.

ઈસુ પહેલાની પ્રથમ સદીની આ પ્રાચીન કૃતિ તેના મૂળ મૂલ્ય કરતાં ૩૦૦થી વધુ ગણી કિંમતે વેચાઈ હતી. પહેલા તો આ પ્રતિમા કોની છે અને કેટલી પ્રાચીન છે તે કોઈ જાણતું ન હતું. તે ૧૮ કે ૧૯મી સદીમાં તૈયાર કરાયેલી રોમન મહાયોદ્ધા હરક્યુલિસની પ્રતિમા હોવાની માન્યતા હતી અને તેનું પ્રાથમિક અંદાજિત મૂલ્ય ૧૦૦૦ પાઉન્ડ મૂકાયું હતું. પાછળથી તે વિશ્વવિજેતા એલેકઝાન્ડર, ધ ગ્રેટની પ્રતિમા હોવાનું નિશ્ચિત થયું હતું. ખરીદનાર સંગ્રાહકે હરાજીકારની ફી સહિત કુલ ૩૮૫,૦૦૦ પાઉન્ડ ચૂકવ્યા હતા.

ગેટી ઓઈલના સ્થાપક જીન પોલ ગેટી ખુદ કળાસંગ્રાક હતા પરંતુ, તેમના બગીચામાં જ આવી પ્રાચીન કલાકૃતિ હોઈ શકે તેનાથી અજાણ હતા. વિશ્વમાં સૌથી ધનવાન ગેટી ૧૯૫૦ના દાયકામાં બ્રિટન આવ્યા હતા. તેમની પાસે ૧૯૬૬માં ૧.૨ બિલિયન ડોલર (વર્તમાન અંદાજે ૭.૨ બિલિયન ડોલર)ની અને ૧૯૭૬માં મૃત્યુ સમયે ૬ બિલિયન ડોલર (વર્તમાન અંદાજે ૨૧ બિલિયન ડોલર)ની સંપત્તિ હોવાનું મનાયું હતું. ગેટીના પૌત્ર જ્હોન પોલ ગેટી ત્રીજાનું ૧૯૭૩માં અપહરણ કરાયું ત્યારે તેમણે બાનની ૧૭ મિલિયન ડોલરની રકમ ચૂકવવા ઈનકાર કર્યો હતો. અપહરણકારોએ તેના પૌત્રનો કપાયેલો કાન એક અખબારને મોકલ્યા પછી ગેટીએ ૨.૨ મિલિયન ડોલર ચૂકવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter