સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના સ્થાયી સભ્યપદને બ્રિટનનું સમર્થન

Tuesday 26th September 2023 06:55 EDT
 
 

ન્યૂ યોર્ક, લંડનઃ બ્રિટને યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના સ્થાયી સભ્યપદનું જોરદાર સમર્થન કર્યુ છે. બ્રિટનના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારાઓ પર ભાર મૂકતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કાઉન્સિલનું વિસ્તરણ કરીને તેમાં ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાનને સ્થાયી સભ્ય બનાવવા જોઈએ. આ ઉપરાંત, આ વૈશ્વિક સંસ્થામાં આફ્રિકાનો અવાજ પણ બુલંદ થવો જોઈએ તેમ જણાવ્યું હતું.

યુએનની વિદેશી મામલાની પરિષદમાં મંગળવારે પોતાના સંબોધનમાં બ્રિટિશ ફોરેન સેક્રેટરી ક્લેવર્લીએ જણાવ્યું હતું કે આજે આપણી સમક્ષ કેટલાય વૈશ્વિક પડકારો છે પરંતુ, આપણે તકને સકારાત્મક રાજકારણમાં બદલવાની રહેશે. તેમણે જણાવ્યું હતું કે આપણે પરંપરાગત મિત્રો અને સહયોગીઓની સાથે કામ કરવાની જરુર છે. તેનો અર્થ એમ થાય કે આપણે વિશ્વમાં ઉભરતી તાકાતને અવાજ આપવો પડશે. તેથી સુરક્ષા પરિષદમાં ભારત જેવા દેશોને કાયમી સભ્યપદ આપીને તેને મજબૂત બનાવવાની જરુર છે,

આ અગાઉ, જી-૨૦ સંમેલનમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા પરિષદમાં સુધારા પર ભાર મૂકતા ભારતને કાયમી સભ્ય બનાવવું જરુરી ગણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ચેતવણી આપતા જણાવ્યું હતું કે માનવીય સભ્યતાએ પ્રદૂષણના લીધે નરકના દરવાજા ખોલી દીધા છે. સમગ્ર વિશ્વમાં વધતાં જતાં તાપમાનનો દુષ્પ્રભાવ દેખાઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter