સિટી સેન્ટર્સમાં લોરીઝ અને ડિલિવરી વાન્સ પર પ્રતિબંધઃ સાઈકલ માટે વન-વેમાં પણ છૂટ

Wednesday 05th August 2020 05:54 EDT
 
 

લંડનઃ બ્રિટનને સ્વસ્થતાના માર્ગે આગળ વધારવાની વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની ૨ બિલિયન પાઉન્ડની નવી સ્થૂળતાવિરોધી નીતિ હેઠળ લોરીઝ અને વાન્સને સિટી સેન્ટર્સ માટે પ્રતિબંધિત કરાશે જ્યારે સાયકલસવારોને વન-વે સ્ટ્રીટમાં પણ અવળા માર્ગે જવાની છૂટ અપાશે. સરકાર સાઈકલિસ્ટ્સને માર્ગો પર વધુ મોકળાશ મળી રહે તે માટે યુકેના શહેરો અને આસપાસ લોરીઝ અને ડિલિવરી વાન્સનું પ્રમાણ ઘટાડવા માગે છે. માલસામાનને શહેરની બહાર ડેપોમાં મોકલાશે અને કાર્ગો બાઈક્સ દ્વારા તેની ડિલિવરી કરાશે. બે નાના શહેરોમાં  ફરજિયાત ‘ફ્રેટ કોન્સોલિડેશન સ્કીમ’ શરુ કરવામાં આવનાર છે.

બોરિસ સરકાર સાઈકલસવારોને પ્રોત્સાહન આપવા માગે છે અને એકમાર્ગી રસ્તાઓ પર પણ આવનજાવન કરવાની છૂટ આપવાની યોજના ધરાવે છે. આ સાથે શહેરો અને નગરોમાં લોરીઝ અને ડિલિવરી વાન્સ જેવા મોટરાઈઝ્ડ માલવાહકોને પણ ઘટાડવા માગે છે. માલસામાનને શહેરોની બહાર ડેપોમાં ઉતારાશે અને ત્યાંથી ઈ-કાર્ગો બાઈક્સ અને ઈલેક્ટ્રિક વાન્સ જેવાં નાના વાહનો મારફત નિર્ધારિત સ્થળોએ પહોંચાડાશે. આ યોજના સાંકડા માર્ગો અને ભીડ ધરાવતા બે નાના ઐતિહાસિક સિટી સેન્ટર્સમાં શરુ કરાશે અને ત્યાર પછી સમગ્ર દેશમાં લાગુ કરાશે.

‘ધ ગીઅર ચેન્જ’ સાઈકલિંગ રિપોર્ટમાં લખતા જ્હોન્સને જણાવ્યું છે કે,મોટા ભાગના કાર પ્રવાસ ઘણા ટુંકા હોય છે અને બાઈસિકલ દ્વારા સરળતાથી કરી શકાય છે. બાઈક્સ અને ચાલતા જવાને પ્રોત્સાહન આપવાથી ગીરદી વધશે તેવી માન્યતા ખોટી છે. ચાલતા જવા અને સાયકલિંગની સુવિધા માટે શેરીઓમાં ઘણા સુધારા કરાઈ રહ્યા છે. ઈલેક્ટ્રિક કાર્સ, બસીસ અને ટ્રેન્સની માફક સાઈકલો પણ ગ્રીન ટ્રાન્સપોર્ટનો હિસ્સો બની રહે તેમ હું ઈચ્છું છું. કારણે ૧૯મી સદીમાં સ્વચ્છ જળની જરુરિયાત હતી તેમ ૨૧ સદીમાં સ્વચ્છ હવા જરુરી બની રહેશે.

‘ફિક્સ યોર બાઈક’ વાઉચરની વેબસાઈટ ક્રેશ

લોકડાઉનના ગાળામાં સાઈકલની લોકપ્રિયતામાં વધારો થવા સાથે સાઈકલિંગનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું હતું. સરકારે સાઈકલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી સ્થૂળતાવિરોધી નીતિમાં બાઈક રીપેર વાઉચર આપવાની જાહેરાત કરી હતી. સરકારે પેન્શનર્સ અને રોજિંદો પ્રવાસ કરનારાઓ માટે ઈલેક્ટ્રોનિક બાઈસિકલ્સની ખરીદી પર સબસિડી તેમજ સાઈકલ રીપેર કરાવવા વહેલા તે પહેલાના ધોરણે ૫૦ પાઉન્ડના ૫૦,૦૦૦ રીપેર વાઉચર્સની જાહેરાત કરી હતી. આ યોજનાને ‘ફિક્સ યોર બાઈક’ નામ અપાયું હતું. સાઈકલ રીપેર કરાવી તેનાથી કામ પર જવાને પ્રોત્સાહન મળે તે મૂળ વિચાર હતો. જોકે, ૨૮ જુલાઈ મંગળવાર રાત્રે આ યોજના લોન્ચ કરાયા છતાં વાઉચર મેળવવા એટલો ધસારો થયો કે મિનિટોમાં વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. આના પરિણામે લોકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter