સિદ્ધાંત પટેલની ઊંચે ઉડવાની ખ્વાહિશ

ધીરેન કાટ્વા Tuesday 28th March 2023 15:12 EDT
 
 

લંડનઃ બર્મિંગહામના ટીનેજર સિદ્ધાંત પટેલને રોયલ એર ફોર્સના પાઈલટ તરીકે આકાશમાં ઊંચે ઉડવાની ખ્વાહિશ છે. 18 વર્ષીય સિદ્ધાંત પોતાના સમાજનું ઋણ ઉતારવા તેમજ એવિએશનના યુવા ઉત્સાહીઓને પ્રેરણા આપવાનું લક્ષ્ય ધરાવે છે.

ઓગસ્ટ 2021માં એર કેડેટ્સની 165 (કેસલ બ્રોમવિચ) સ્ક્વોડ્રનમાં જોડાયેલા સિદ્ધાંત પટેલે અપેક્ષાથી પણ અડધા સમયમાં સાર્જન્ટની રેન્ક પ્રાપ્ત કરી લીધી છે. તેણે પાબ્લો મેસન એક્ઝામિનેશન્સ શિલ્ડ, સીનિયર કેડેટ અને શૂટિંગ બેજિસ તેમજ દ્વારા શરીરસૌષ્ઠવ સહિત 11 ઓનર્સ મેળવી લીધા છે. તાજેતરમાં વાર્ષિક એવોર્ડઝ ઈવનિંગમાં તેની પ્રેઝન્ટેશન સ્કિલ્સ કોર્સ પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્ર પણ અપાયું હતું. અનેક પ્રવૃત્તિમાં સામેલ હોવાં છતાં તેના માટે શૂટિંગ મનપસંદ પ્રવૃત્તિ છે. સિદ્ધાંત કહે છે કે,‘અનુભવી વોલન્ટીઅર્સ દ્વારા મને શીખવાડાયેલી કુશળતા, ચોકસાઈ અને ટેક્નિક્સથી મારી સ્ક્વોડ્રનમાં શ્રેષ્ઠ કેડેટ્સમાં એક બની શક્યો છું.’

25થી વધુ ઉડ્ડયન કલાકો, તેની પાઈલોટ એક્ઝામ્સમાં સરેરાશ 85ની ટકાવારી અને ઘણાં મુશ્કેલ લેન્ડિંગ્સ સાથે સિદ્ધાંત હાલ લાઈટ એરક્રાફ્ટ પાઈલોટ્સ લાઈસન્સ માટે કામ કરી રહ્યો છે. ડ્રોન ફ્લાઈંગ વિશે તેણે સ્મિતસહ જણાવ્યું હતું કે‘હવે મારે બે કરતાં ઓછાં ફ્લાઈંગ કલાક અને વૃક્ષો સાથે અથડામણો બાકી છે.’ તે આ સ્પેશિયાલિસ્ટ ઈન્ડસ્ટ્રીમાં વધુ આત્મવિશ્વાસી અને અનુભવી બનવાનું ધ્યેય રાખે છે.

સિદ્ધાંત પટેલ પાર્ક હોલ એકેડેમી સિક્સ્થ ફોર્મ ખાતે મેથ્સ, ફીઝિક્સ અને જીઓગ્રાફી વિષયો સાથે યર 13માં અભ્યાસ કરે છે. તે એકાઉન્ટન્ટ માતા, ઈલેક્ટ્રોનિક્સ એન્જિનીઅર પિતા અને પેટન્ટ એટર્ની બહેનની સાથે રહે છે. તે જીમ, હાઈકિંગ અને ટ્રાવેલિંગ સાથે પોતાના શરીરને કસાયેલું રાખે છે. તેણે પોતાની 165 સ્ક્વોડ્રનનો આભાર માનતા જણાવ્યું હતું કે તમામ વોલન્ટીઅર્સે મારા માટે ઉભી કરેલી તકોથી હું ભારે પ્રભાવિત થયો છું. સિદ્ધાંત તેના ઉત્કૃષ્ટ દેખાવની યાત્રા ચાલુ રાખે અને તેના સ્વપ્ના સાકાર કરવામાં સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા ABPL ટીમ પાઠવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter