લંડનઃ સીરિયામાં પાંચ કહેવાતા બ્રિટિશ જાસૂસોને મોતને ઘાટ ઉતારતા નવા હિચકારા વિડિયોએ સનસનાટી મચાવી છે. ઈસ્લામિક સ્ટેટ અથવા દાએશ નામે પણ ઓળખાતા ત્રાસવાદી સંગઠનમાં કાર્યરત એક બુકાનીધારી જન્મે બ્રિટિશ અને હિન્દુ સિદ્ધાર્થ ધર હોવાનું કહેવાય છે. ‘નવા જેહાદી જ્હોન’નું બિરુદ પામેલો સિદ્ધાર્થ ઈસ્લામમાં ધર્માન્તર પછી અબુ રુમાસાયાહ નામે પણ ઓળખાય છે. ઈસ્લામિક સ્ટેટના વિનાશના અભિયાનરુપે સીરિયામાં હવાઈ હુમલા કરવાના નિર્ણયના પરિણામે આ હિચકારો વિડિયો બહાર આવ્યો હોવાનું મનાય છે.
સિદ્ધાર્થ ધર મનાતા બુકાનીબંધ બંદૂકધારીએ બ્રિટિશ ઉચ્ચારમાં ડેવિડ કેમરનને મહેણા માર્યા છે. તેણે કહ્યું છે કે,‘તમામ કામોનો બદલો તમારા બાળકો ચુકવશે. એક નાના ટાપુનો નેતા મુઠ્ઠીભર વિમાનો સાથે અમને ધમકી આપે તે કેવું વિચિત્ર છે. તમારા પુરોગામીઓ બ્લેર અને બ્રાઉનની માફક તમે પણ અહંકારી અને મૂર્ખ છો. ડેવિડ તમે વાસ્તવમાં જડબુદ્ધિ છો.’
ઈસ્ટ લંડનના વાલ્ધામસ્ટોનો રહેવાસી સિદ્ધાર્થ ધર ત્રાસવાદના ગુનાઓમાં જામીન પર હોવા દરમિયાન સિક્યુરિટી એજન્સીઓને થાપ આપી પત્ની અને ચાર બાળકો સાથે સીરિયા નાસી છુટ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૪માં કટ્ટરવાદી મુસ્લિમ ઉપદેશક અંજેમ ચૌધરી સાથે ધરની ધરપકડ કરાઈ હતી.
અનેક દર્શકોની માફક જ હિચકારો વિડિયો જોનારી ધરની માતા સોબિતા ધર અને બહેન કોનિકા ધર પણ આઘાતમાં સરી પડ્યાં હતાં. તેમને પણ બંદૂકધારીનો અવાજ જાણીતો લાગ્યો હતો. બહેન કોનિકાએ કહ્યું હતું કે જન્મે હિન્દુ સિદ્ધાર્થે એક દાયકા અગાઉ એટલે કે મુસ્લિમ આયેશા સાથે લગ્ન પછી ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. પત્નીએ તેને ઉગ્રવાદી થવા ઉશ્કેર્યો હોઈ શકે તેવો દાવો કોનિકાએ કર્યો હતો. ઈસ્લામમાં ધર્માન્તર કરી ત્રાસવાદના પંથે આગળ વધનારો અન્ય હિન્દુ વડોદરામાં જન્મેલો ધીરેન બારોટ છે. તેણે લંડનની અંડરગ્રાઉન્ડ નેટવર્ક પર બોમ્બવિસ્ફોટ કરવાની યોજના ઘડી હતી, જે બદલ તેને આજીવન કારાવાસ થયો છે.
ઓરેન્જ જમ્પસૂટમાં પાંચ અસહાય શિકારની પાછળ લશ્કરી ગણવેશમાં પાંચ ત્રાસવાદી ઉભા રહેલા હોય તે વિડિયો બ્રિટન માટે દિલ ધડકાવનારો આરંભ હોઈ શકે છે. આ સાથે મુશ્કેલ સમયમાં ધર્મ, વર્ગ કે બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના એકબીજાની પડખે ઉભા રહેતા એશિયન સમુદાય માટે પણ ચિંતાનો વિષય છે. સિદ્ધાર્થ ધર જેવા આતંકવાદીઓનું ઉદાહરણ આપણી ભાવિ પેઢી ઉદ્દામવાદથી કેટલે દૂર અને સલામત રહી શકશે તેવી ચિંતા અવશ્ય સર્જાવશે.


