લંડનઃ પરીણિત યુગલો અને સિવિલ પાર્ટનરશિપમાં રહેતા લોકોમાં કોઈ પાર્ટનર તેમના પર્સનલ એલાવન્સની ૧૨,૭૫૦ પાઉન્ડની મર્યાદાથી ઓછી કમાણી કરતા હોય અને બીજો પાર્ટનર બેઝિક દરનો કરદાતા હોય ત્યારે મેરેજ એલાવન્સ થકી તેમના પર્સનલ એલાવન્સીસનું શેરિંગ કરી શકાય છે. લાયકાત ધરાવતા યુગલ તેમના ટેક્સ ફ્રી એલાવન્સના ૧૦ ટકા તેમના પાર્ટનરને ટ્રાન્સફર કરી શકે છે, જે રકમ ૨૦૨૧-૨૨ના વર્ષ માટે ૧,૨૬૦ પાઉન્ડ હતી. આનો અર્થ એ થશે કે કપલ્સ વાર્ષિક ૨૫૨ પાઉન્ડ જેટલો ટેક્સ ઘટાડી શકે છે.
યુગલો કોઈ પણ સમયે અરજી કરી શકે છે, અગાઉના ચાર ટેક્સ વર્ષમાંથી કોઈ પણ વર્ષ માટેની પસંદગી જણાવી શકે છે અને તેમને જ્યારે ખાસ જરૂર હોય ત્યારે ૧,૨૨૦ પાઉન્ડની રકમ મેળવી શકે છે. મેરેજ એલાવન્સ મારફત સરકાર દર મહિને યુગલોને ઘરખર્ચના બિલ્સ પાછળ જરૂર પડે તે માટે વધારાની રકમ મેળવવામાં મદદ કરે છે.
તમે આ રકમ મેળવવાને પાત્ર છો કે કેમ તે જાણવા GOV.UK વેબસાઈટ પર ‘Marriage Allowance’ની શોધ કરી શકો છો. આ એલાવન્સ માટે નિઃશુલ્ક અરજી કરી શકાય છે અને HMRCના ઓનલાઈન પોર્ટલ પર ક્લેઈમ્સ કરતા ગ્રાહકો લાયકાત ધરાવતા હોય તો આ કરરાહતના ૧૦૦ ટકા મેળવી શકે છે. મેરેજ એલાવન્સના ક્લેઈમ દર વર્ષે આપમેળે રીન્યુ થતાં રહે છે પરંતુ, યુગલોએ પોતાના દરજ્જા કે સંજોગોમાં ફેરફાર થાય તો HMRCને જણાવવું જોઈએ.


