લંડનઃ સિવિલ સર્વન્ટ કાશીમ ચૌધરીએ વર્ક ફ્રોમ હોમ અને સિક નોટ્સનો ગેરલાભ ઉઠાવી ફુલટાઈમની પાંચ-પાંચ સરકારી નોકરીઓ કરી 350,000 પાઉન્ડની કમાણી કરી હોવાનું બહાર આવ્યું છે. તેની સામે પોતાના એમ્પ્લોયમેન્ટ સ્ટેટસની ખોટી માહિતી આપવાનો આરોપ લગાવાયો છે. ચૌધરીએ તેની સામે લગાવાયેલા છેતરપીંડીના નવ આરોપ નકારી કાઢ્યા હતા. ટ્રાયલ હજુ ચાલી રહી છે.
સધર્ન ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ દરમિયાન જણાવાયું હતું કે ઈસ્ટ લંડનના વ્હાઈટચેપલના 55 વર્ષીય કાશીમ ચૌધરીને એક સમયે પાંચ નોકરીઓ માટે સપ્તાહના 183 કલાક કામ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, જે સાત દિવસમાં વાસ્તવિક કામના કલાકો કરતાં પણ વધારે સમય હતો. તેણે સરકારી વિભાગો અને જાહેર સંસ્થાઓમાં ફૂલ-ટાઈમ નોકરીઓ કરવા એમ્પ્લોયમેન્ટ સ્ટેટસની ખોટી માહિતી આપી હતી. ફેબ્રુઆરી 2020થી સપ્ટેમ્બર 2023ના ગાળામાં ચૌધરીએ આઠ એમ્પ્લોયર પાસેથી 350,000 પાઉન્ડની કમાણી કરી હતી.
પ્રોસિક્યુટરોએ જણાવ્યું હતું કે ચૌધરીએ કોવિડ-19 મહામારી દરમિયાન પોતાની અનેક નોકરીઓને છુપાવવા વર્ક ફ્રોમ હોમ સુવિધાનો ગેરલાભ ઉઠાવ્યો હતો અને કામકાજનું ભારણ ન રહે તે માટે કેટલાક એમ્પ્લોયર પાસેથી માંદગીની રજાઓ પણ લીધી હતી. વીડિયો કોલ્સ દરમિયાન બીમારીની હાલત બતાવવા તે ચહેરા પર વ્હાઈટ મેકઅપ પણ કરતો હતો. તેણે બીમાર વૃદ્ધ માતાની કાળજી લેવાનું બહાનું કાઢી વર્ક ફ્રોમ હોમ સુવિધા મેળવી હતી.
તેણે ટાવર હેમલેટ્સ કાઉન્સિલ, એન્વિરોન્મેન્ટ ફૂડ એન્ડ રુરલ એફેર્સ ડિપાર્ટમેન્ટ, ઈસ્ટ લંડન NHS ટ્રસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર, યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી, ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ, ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી અને હોમ ઓફિસમાં નોકરીઓ લીધી હતી. તેને પાંચ ફૂલટાઈમ નોકરીઓ માટે વેતન મેળવ્યું હતું.


