લંડનઃ યુકેમાં કરકસરના પગલાંના પરિણામે ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ધ પછી સિવિલ સર્વિસમાં નોકરિયાતોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ બ્રિટનમાં હાલ માત્ર ૩૯૮,૦૦૦ સિવિલ સર્વન્ટ્સ છે, જે અગાઉના દાયકાની સરખામણીએ ૧૪૦,૦૦૦ ઓછાં અને ૧૯૩૯ પછી સૌથી તળિયે છે. બીજી તરફ, બ્રિટનમાં ગત છ વર્ષમાં સૌથી મોટો વેતનવધારો જુલાઈમાં આવ્યો હતો. બોનસ સહિતના નિયમિત વેતનોમાં ૨.૯ ટકાનો ઊછાળો આવ્યો હતો.
બ્રિટનમાં ૨૦૧૦માં કરકસર લાદવામાં આવ્યાં પછી લેબર માર્કેટમાં ભારે ફેરફાર નોંધાયા છે. સરકારી માલિકીના કોર્પોરેશનો સહિત પબ્લિક સેક્ટરના વર્કફોર્સમાં ૯૬૦,૦૦૦નો ઘટાડો થયો છે. તેની સામે ખાનગી સેક્ટર દ્વારા ૨.૭ મિલિયન નોકરીઓનું સર્જન કરાયું છે. નોકરીઓમાં વિશાળ પબ્લિક સેક્ટરનો હિસ્સો માત્ર ૧૭.૨ ટકા જ છે, જે ૧૯૯૯ પછી સૌથી તળિયે છે. જાહેર ક્ષેત્રમાં ૫.૩૬ મિલિયન લોકો નોકરી કરે છે, જે ગયા વર્ષની સરખામણીએ ૫૯,૦૦૦ ઓછાં છે.
થિન્ક ટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશન અનુસાર ફૂગાવો શૂન્ય ટકાએ હોવાથી લોકોની વાસ્તવિક આવક એક દાયકામાં ભારે ગતિએ વધી છે. ડોલરની સામે પાઉન્ડનું મૂલ્ય વધતાં અને કમાણીમાં વધારાથી લેબર માર્કેટ મંદીના ભયનો અંત આવ્યો છે. જુલાઈ સુધીના ત્રિમાસિક ગાળામાં કામે લાગેલા લોકોની સંખ્યા ૬૦,૦૦૦ના વધારા સાથે ૩૧.૧ મિલિયન થઈ છે અને રોજગારી દર ૭૩.૫ ટકા જેટલો વિક્રમી ઊંચાઈએ ગયો છે. નોકરી શોધનારાની સંખ્યા ૨૯,૦૦૦ના ઘટાડા સાથે ૧.૮૨ મિલિયને પહોંચી છે.