લંડનઃ જીવનનિર્વાહ કટોકટીને હળવી બનાવવાની કવાયતના ભાગરૂપે 91,000 સરકારી કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની યોજનાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દર પાંચ સિવિલ સર્વન્ટમાંથી એકની નોકરી જશે. કોરોના મહામારીથી બ્રિટનના અર્થતંત્રને મોટા પાયે નુકસાન થયું છે અને સરકાર તેમાંથી બહાર નીકળવાના માર્ગો વિચારી રહી છે.
વડા પ્રધાને પોતાની ઉચ્ચ ટીમને નાણાકીય દબાણોને હળવાં બનાવવાના પ્રયાસો બમણા કરવા આદેશ આપ્યો છે. જ્હોન્સન માને છે કે સિવિલ સર્વિસ ઘણી ફૂલીફાલી છે. સિવિલ સર્વિસમાં લગભગ 20 ટકાનો કાપ મૂકવાથી આશરે વાર્ષિક 3.5 બિલિયન પાઉન્ડની બચત થશે તેમ મનાય છે. સરકાર સિવિલ સર્વન્ટ્સની સંખ્યા વર્ષ 2016ના સ્તર સુધી લઈ જવાં માગે છે.
વડાપ્રધાન જ્હોન્સને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માગીએ છીએ. કોરોનાને કારણે અર્થતંત્ર મોટા પાયે નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે 91,000 સરકારી નોકરીઓ સમાપ્ત કરવામાં આવશે.
બીજી તરફ, સીનિયર કેબિનેટ મિનિસ્ટર જેકોબ રીસ મોર્ગના જણાવ્યા અનુસાર દર વર્ષે ૩૮૦૦૦ લોકો સરકારી નોકરીમાં રાજીનામું આપી રહ્યાં છે. આ સ્થિતિમાં એ જ યોગ્ય છે કે સરકારી નોકરીઓમાં ભરતી રોકી દેવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાનું જોખમ સમાપ્ત થયા પછી પણ લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે.


