લંડનઃ બ્રિટનની સિવિલ સર્વિસમાં ૧૦માંથી ચારથી વધુ સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દાઓ પર કાર્યરત છે. આમ, યુરોપમાં સ્ત્રી અધિકારીઓની સૌથી વધુ ટકાવારી યુકેની છે. સરકારી વિભાગો અને જાહેર સંસ્થાઓમાં ઉચ્ચ પદો પર મહિલાઓની સંખ્યા વધીને ૪૪ ટકા થઈ છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના વિશ્લેષણ અનુસાર કેન્દ્ર સરકારના ૪૨૦,૦૦૦ જેટલા સિવિલ સર્વન્ટ્સનો લગભગ અડધો હિસ્સો મહિલાઓનો છે. સીનિયર સિવિલ સર્વિસમાં સ્ત્રીઓની સંખ્યા ૪૦.૧ ટકા છે, જે ગયા વર્ષે ૩૮.૯ ટકા હતી. સિવિલ સર્વન્ટ્સના ૧૧.૨ ટકા વંશીય લઘુમતી અને ૯.૨ ટકા ડિસેબલ્ડ છે. આ બધા છતાં, પુરુષ અધિકારીઓની સરખામણીએ મહિલા અધિકારીઓ ઓછું વેતન મેળવે છે. બન્ને વચ્ચે ૨.૫ ટકાની ખાઈ છે. ગયા વર્ષે સમગ્ર અર્થતંત્રમાં પૂર્ણકાલીન કાર્યરત પુરુષ-સ્ત્રી વચ્ચે વેતનખાઈ ૯.૪ ટકા હતી.


