લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય અને જાણીતા ઉદ્યોગપતિ લોર્ડ રેન્જરે પોતાનો 'CBE' (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) ખિતાબ પાછો ખેંચી લેવાના નિર્ણય સામે વડાપ્રધાન સર કેર સ્ટાર્મર વિરુદ્ધ કાનૂની જંગ છેડ્યો છે. તેમનો દાવો છે કે સરકારનું આ પગલું દેશમાં અભિવ્યક્તિની આઝાદી માટે ગંભીર ખતરો ઊભો કરે છે.
લોર્ડ રેન્જર દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી શ્રેણીબદ્ધ ટિપ્પણીઓ બાદ તેમનો આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર રદ કરવામાં આવ્યો હતો. લોર્ડ રેન્જરને વર્ષ 2016માં વેપાર અને સામાજિક સદભાવના ક્ષેત્રે તેમના પ્રદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું. હવે તેમણે પોતે 'કેન્સલ કલ્ચર'નો ભોગ બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને પોતાનું સન્માન પરત મેળવવા કાનૂની લડત શરૂ કરી છે.
વડાપ્રધાન સામે કાનૂની કાર્યવાહી કરતા તેમના વકીલો હાઈકોર્ટમાં દલીલ કરશે કે, CBE ખિતાબ છીનવી લેવાનો નિર્ણય અપ્રમાણસર હતો અને તેનાથી જાહેર હસ્તીઓ દ્વારા વિવાદાસ્પદ મુદ્દાઓ પર મુક્તપણે અવાજ ઉઠાવવાના અધિકાર પર નકારાત્મક અસર પડશે.


