લંડનઃ ત્રણ પૂર્વ સબપોસ્ટમાસ્ટરને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓબીઈ)થી સન્માનિત કરાયાં છે. જોકે તેમણે ન્યાય માટેની તેમની લડત જારી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સીમા મિશ્રા, લી કેસલટન અને ક્રિસ્ટોફર હેડને પોતાના અને અન્ય સેંકડો સબપોસ્ટમાસ્ટર માટે ન્યાય મેળવવા કરેલા અથાક પરિશ્રમ માટે આ સન્માન અપાયું છે. વિન્ડસર કેસલ ખાતે આયોજિત સમારોહમાં ત્રણે પોસ્ટમાસ્ટરને પ્રિન્સેસ એન દ્વારા સન્માનિત કરાયાં હતાં.
સીમા મિશ્રાએ જણાવ્યું હતું કે, આ સન્માન પ્રાપ્ત કરીને હું ઘણી ખુશ છું. અમારા અભિયાન માટે આ સાચી દિશામાં ભરાયેલું પગલું છે. આ સન્માનથી અમારા અભિયાનને વેગ મળશે. જવાબદારી નક્કી કરવાનું સાચું ઉદાહરણ સ્થાપિત કરવા અને દરેકને પુરતું વળતર મળે તે માટેની લડાઇ હજુ જારી છે. આપણે એ પૂરવાર કરવાની જરૂર છે કે કાયદાથી ઉપર કોઇ નથી.
ક્રિસ્ટોફર હેડે જણાવ્યું હતું કે, આ એક મોટું સન્માન છે પરંતુ તેના પર ઘણા પીડિતોને ન્યાય અને વળતર પ્રાપ્ત થયાં નથી તે વાસ્તવિકતા હાવી થઇ રહી છે. અમે ન્યાય માટેની અમારી લડત જારી રાખીશું.
લી કેસલટને જણાવ્યું હતું કે, 2007માં મારી સામે નોંધાયેલો કેસ આજે પણ ચાલી રહ્યો છે. 21 વર્ષ અગાઉ હું બેન્કરપ્ટ થયો હતો અને મને હાંકી કઢાયો હતો. આજે મારું આ રીતે સન્માન થયું તેથી હું આભારી છું. જોકે આ સન્માનથી અમે પીછેહઠ કરવાના નથી. આ સન્માનથી અમને વધુ ઉગ્ર રજૂઆતો કરવાનું બળ મળ્યું છે.


