લંડનઃ જેહાદી તરીકે Isisમાં જોડાઈ લડવા માટે સીરિયા જવાનું બધાને માફક આવતું નથી. સીરિયામાં ગરમ પાણી, ખરાબ ભોજન તેમજ રહેઠાણ સહિત અન્ય સુવિધાના અભાવથી ત્રાસી ગયેલા મોહમ્મદ ઉદ્દીનનો ભ્રમ ભાંગી ગયો હતો અને તે ઈસ્લામિક સ્ટેટ છોડીને બ્રિટન પાછો આવી ગયો હતો. ઈસેક્સના બાર્કિંગના ૩૦ વર્ષીય ઉદ્દીને ત્રાસવાદી કૃત્યોની તૈયારીના આરોપ સ્વીકારી લીધા પછી વુલીચ ક્રાઉન કોર્ટે સાત વર્ષના કારાવાસની સજા ફરમાવી હતી.
પૂર્વ સિક્યુરિટી ગાર્ડ મોહમ્મદ ઉદ્દીન નવેમ્બર ૨૦૧૪માં સીરિયા ગયો હતો. તેણે વ્હોટ્સએપ મેસેજ સેવા પર પોતાનું નામ સુપામેન રાખ્યું હતું. તે ગરમ પાણીના અભાવ અને રહેવાની વ્યવસ્થાથી કંટાળી ગયો હતો. તેને ઈસ્લામિક સ્ટેટના વડા મથક રાક્કા પણ જવા દેવાયો ન હતો. તેનો પાસપોર્ટ અને ઈલેક્ટ્રોનિક આઈટમ્સ પણ ખૂંચવી લેવાઈ હતી. માત્ર પાંચ સપ્તાહ પછી તુર્કી પાછો ફરતા સ્થાનિક પોલીસે તેને ઝડપી લીધો હતો. તે ૨૨ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર આવ્યો ત્યારે તેને પકડી લેવાયો હતો.
તેના પર બ્રિટન પાછા ફરવાનું દબાણ પણ હતું. તેની પત્ની બાળકને જન્મ આપવાની હતી. તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવાયો હોવાથી પાછા ફરવામાં વિલંબ થયો હોવાની શક્યતા દર્શાવાઈ હતી. જોકે, તે ભવિષ્યમાં સીરિયા જાય તેવી સંભાવના નકારાતી નથી.


