લંડનઃ બ્રિટને સીરિયામાં હવાઈ હુમલા શરુ કર્યા પછી ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ભયના કારણે બ્રિટનના અનેક સાંસદોએ તેમના ઘર અને મત વિસ્તારની સુરક્ષા વધારવા બ્રિટિશ સરકારને વિનંતી કરી છે. બ્રિટિશ સાંસદોએ આઈએસના આતંકવાદીઓ દ્વારા તેમને લક્ષ્યાંક બનાવાશે એવો પણ ભય વ્યક્ત કર્યો છે. ISની ધમકીના પગલે બ્રિટને સાંસદોની સલામતી રાતોરાત વધારી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઈસ્લામિક સ્ટેટ પાસે વિરોધી રાજકીય હસ્તીઓેની હત્યા કરવા પોલિટિકલ એસેસિનેશન યુનિટ નામે અલગ જૂથ છે. આ જૂથે તેની કામગીરી બ્રિટન સુધી લંબાવી હોવાનું કહેવાય છે. ISના ૩૦૦થી વધુ સમર્થકો બ્રિટનમાં હોવાના પણ ગુપ્તચર અહેવાલો છે.
યુનાઈટેડ કિંગ્ડમમાં ઈસ્લામિક સ્ટેટના સમર્થકોમાંથી કોણ કેટલું સક્રિય છે એ કહેવું મુશ્કેલ છે. આ તમામનું લક્ષ્યાંક હવે ફક્ત રાજકીય હસ્તીઓ છે. જે બ્રિટિશ સાંસદોએ સીરિયામાં હવાઈ હુમલા કરવાની તરફેણ કરી છે એ તમામને IS સમર્થકોએ ઓળખી કાઢ્યા છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૦માં લેબર પાર્ટીના સાંસદ સ્ટિફન ટિમ્સે ઈરાક યુદ્ધની તરફેણમાં મતદાન કર્યું હોવાથી ૨૧ વર્ષીય ઈસ્લામિક કટ્ટરપંથી મહિલા રોશોનારા ચૌધરીએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. રોશોનારા હાલ આજીવન કારાવાસમાં છે. સ્કોટલેન્ડ યાર્ડ આતંકવાદ સાથે સંકળાયેલા આવા ૬૦૦ કેસની ઊંડી તપાસ કરી રહ્યું છે.
રાજકીય હસ્તીઓને લક્ષ્ય બનાવવાથી તેઓ પોતાની શક્તિ સાબિત કરી શકે એમ છે. એટલું જ નહીં, જો તેઓ રાજકીય હસ્તીઓની હત્યા કરવામાં સફળ થાય તો અન્ય યુવાનોને પણ આકર્ષી શકે. ઈસ્લામિક સ્ટેટ અન્ય આતંકવાદી સંગઠનો કરતા અલગ છે. સરહદો સીલ કર્યા પછીયે અમેરિકા અને યુરોપના દેશોમાં ઈસ્લામિક સ્ટેટના સમર્થકો હોવાનું સૌથી મોટું કારણ ઈન્ટરનેટ છે. આ જૂથ ઈન્ટરનેટનો બખૂબી ઉપયોગ કરી રહ્યું છે.


