લંડનઃ યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમાન યુએસની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યાં છે અને ગેરકાયદે માઈગ્રેશનના કારણે બ્રિટન પર સર્જાતા નોંધપાત્ર દબાણોનો મુદ્દો ઉઠાવશે. અનેક દેશો આ કટોકટીનો સામનો કેવી રીતે કરી શકે અને યુકેએ આ સમસ્યા હલ કરવા કેવાં નવતર અભિગમો અપનાવ્યા છે તેની બ્લુપ્રિન્ટ પણ પોતાના સંબોધનમાં કરવાના છે. દરમિયાન, તેમણે માનવ અધિકારોની યુરોપિયન કોર્ટની આકરી ટીકા કરી જેટ ટ્રાવેલ અને સ્માર્ટફોન્સના આ યુગમાં માઈગ્રન્ટ્સ સંબંધિત સંધિઓ તેના હેતુઓ માટે અપૂરતી હોવાનું જણાવી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)માંથી નીકળી જવાની પોતાની ઈચ્છાનો સંકેત પણ પાઠવ્યો હતો.
હોમ સેક્રેટરી બ્રેવરમાને યુએસની મુલાકાત પહેલા જણાવ્યું હતું કે તેઓ તેમના સંબોધનમાં ઈંગ્લિશ ચેનલમાં નાની બોટ્સ સહિત ગ્લોબલ માઈગ્રેશન દ્વારા સર્જાયેલા પડકારો વિશે જણાવશે. વિશ્વમાં લોકોના અભૂતપૂર્વ સામૂહિક સ્થળાંતરો અને ગેરકાયદે માઈગ્રેશનથી અમેરિકા, યુકે અને યુરોપ પર અસહ્ય દબાણો ઉભાં થાય છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે 50 કરતાં વધુ વર્ષ પહેલા નિશ્ચિત કરાયેલા આંતરરાષ્ટ્રીય કન્વેન્શન્સ અને કાનૂની માળખાઓ જેટ ટ્રાવેલ અને સ્માર્ટફોન્સના યુગમાં કેવી રીતે યોગ્ય ઠરાવી શકાય.
વડા પ્રધાન રિશિ સુનાકે ઈંગ્લિશ ચેનલમાં નાની બોટ્સ થકી મોટી સંખ્યામાં આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સને અટકાવવાને પ્રાથમિકતા આપી છે પરંતુ, એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવા સહિત યુકેની નીતિઓ સફળ થઈ રહી નથી. યુએસ વહીવટીતંત્ર પણ યુએસ-મેક્સિકો સરહદે ગેરકાયદે માઈગ્રેશનની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.


