લંડનઃ ઓડિશાના જાણીતા રેત શિલ્પકાર સુદર્શન પટનાઇકને ફ્રેડ ડેરિંગ્ટન એવોર્ડથી સન્માનિત કરાયાં છે. આર્ટ એન્ડ કલ્ચર કેટેગરીમાં પટનાઇકે પ્રથમવાર આ એવોર્ડ હાંસલ કર્યો છે. પટનાઇક દ્વારા 10 ફૂટ ઊંચી ગણપતિની પ્રતિમા તૈયાર કરાઇ હતી. સાઉથવેસ્ટ ઇંગ્લેન્ડના ડોરસેટ ખાતે નવેમ્બર મહિના સુધી આ પ્રતિમાને પ્રદર્શિત કરાશે.
1925માં રેત શિલ્પકાર ડેરિંગ્ટન દ્વારા વેમાઉથ બીચ ખાતે રેત શિલ્પનો પ્રારંભ કરાયો તેના 100 વર્ષની ઉજવણી કરતાં સેન્ડવર્લ્ડ ખાતે આ એવોર્ડનો પ્રારંભ કરાયો છે. ભારતમાં પદ્મશ્રીથી સન્માનિત પટનાઇક સેન્ડવર્લ્ડ ખાતે ભાગ લેનારા પ્રથમ ભારતીય શિલ્પકાર છે. વેમાઉથ ખાતે દર વર્ષે ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરાય છે.
ડેરિંગ્ટનના પૌત્ર માર્ક એન્ડરસને વર્ષ 2011માં સેન્ડ આર્ટિસ્ટ ડેવિડ હિક્સ સાથે મળીને આ ફેસ્ટિવલનો પ્રારંભ કર્યો હતો. 1998માં એન્ડરસને તેમના દાદા સાથે સેન્ડ આર્ટનો પ્રારંભ કર્યો હતો અને હવે તેઓ નામાંકિત સેન્ડ આર્ટિસ્ટ બની ચૂક્યાં છે. સુદર્શન પટનાઇકને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા.