સુદાની રેફ્યુજી દ્વારા નાઇફ એટેક બાદ બેલફાસ્ટમાં વ્યાપક હિંસા

ઇમિગ્રન્ટ્સના મકાનોની આગચંપી અને તોડફોડ, નિર્દોષ પરિવારોને નિશાન બનાવાયાં

Tuesday 16th June 2026 12:38 EDT
 
 

લંડનઃ ઉત્તર આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં એક સુદાની મૂળના માઇગ્રન્ટ દ્વારા કરાયેલા નાઇફ એટેક બાદ ગયા મંગળવાર રાત્રે હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. બેલફાસ્ટના અનેક વિસ્તારોમાં આગજની અને તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. આગ ચાંપવામાં આવેલા ઘરોમાંથી ઇમિગ્રન્ટ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પૂર્વ બેલફાસ્ટમાં એક જાહેર બસને આગ લગાડવામાં આવી હતી અને અન્ય વિસ્તારોમાં સળગતી કચરાપેટીઓથી રસ્તાઓ અવરોધવામાં આવ્યા હતા.

આ હિંસા સોમવારે રાત્રે થયેલા નાઇફ એટેક બાદ શરૂ થઈ હતી. પોલીસે સુદાનના 30 વર્ષીય નાગરિક હાદી અલોદિદ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. યુકેમાં કાયદેસર રીતે રહેતા રેફ્યુજી અલોદિદને બુધવારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. હુમલાના ભોગ બનેલા સ્ટીવન ઓગિલ્વી ગંભીર રીતે ઘાયલ થયા છે અને હુમલાના પરિણામે તેમણે એક આંખ ગુમાવી હતી.

ઉત્તર આયર્લેન્ડની ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ’નીલે હિંસાની નિંદા કરતાં જણાવ્યું હતું કે નિર્દોષ પરિવારોને નિશાન બનાવવાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. તેમણે ચેતવણી આપી હતી કે કેટલાક તત્ત્વો નાઇફ એટેકનો ઉપયોગ દ્વેષ અને હિંસા ફેલાવવા માટે કરી રહ્યા છે.

બ્રિટનના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે પણ બેલફાસ્ટમાં ફાટી નીકળેલી હિંસાને આઘાતજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને તેની પૃષ્ઠભૂમિના આધારે નિશાન બનાવવાને સાંખી લેવાશે નહીં.

ગ્લાસગોમાં પણ તણાવ, હિંસા અને રેસિસ્ટ હુમલા પાંચ ઘાયલ

બેલફાસ્ટમાં બાદ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં મંગળવાર સાંજે હિંસા અને રેસિસ્ટ હુમલાઓની ઘટનાઓ સામે આવી હતી. પોલીસે ગ્લાસગો સિટી સેન્ટરના કેટલાક વિસ્તારોને તાત્કાલિક બંધ કરાવ્યા હતા અને શહેરમાં ફેલાયેલી અશાંતિ દરમિયાન ત્રણ પુરુષોની ધરપકડ હતી.  પોલીસ સ્કોટલેન્ડના જણાવ્યા અનુસાર માસ્ક પહેરેલા સેંકડો લોકો સિટી સેન્ટર ખાતે માર્ચ કરતા દેખાયા હતા. હિંસક ઘટનાઓમાં બે પોલીસ અધિકારી સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકોને તેમના રંગના આધારે નિશાન બનાવી હુમલા કરવામાં આવ્યા હતા.

વિવિધ શહેરોમાં ફાર રાઇટ અને એન્ટી રેસિઝમ દેખાવકારો વચ્ચે અથડામણો

બેલફાસ્ટમાં થયેલા રમખાણો બાદ બ્રિટનના વિવિધ શહેરોમાં ફાર-રાઇટ અને એન્ટી રેસિઝમ પ્રદર્શનકારીઓ સામસામે આવી ગયા હતા. શનિવારે બ્રાઇટન, લિવરપૂલ, શેફિલ્ડ અને ગ્લાસગોના માર્ગો પર બંને જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ થતાં પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી. શનિવારે સમગ્ર યુકેમાં ફાર રાઇટ સંગઠનો દ્વારા રેલીઓ યોજવામાં આવી હતી. આ દરમિયાન લિવરપૂલના વોલ્ટન વિસ્તારમાં અને બ્રાઇટન રેલ્વે સ્ટેશન નજીક ભારે તણાવ જોવા મળ્યો હતો જ્યાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર અને ઝપાઝપી થઈ હતી. શેફિલ્ડમાં રેઝ ધ કલર્સ નામના સંગઠન દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્લાસગોમાં સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ સંગઠન દ્વારા આયોજિત વિશાળ રેલી સામે ફાર રાઇટ જૂથોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter