લંડનઃ નવી સંસદમાં ચૂંટાઇ આવેલા ભારતીય મૂળના 29 પૈકીના 23 સાંસદોએ બુધવારે શપથ ગ્રહણ કર્યાં હતાં. લિન્ડસે હોયલે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર તરીકે પુનઃચૂંટાઇ આવ્યા બાદ મંગળવારથી સાંસદોના શપથ ગ્રહણ શરૂ કરાયાં હતાં. લેબર પાર્ટીનો ગઢ ગણાતી લેસ્ટર ઇસ્ટ બેઠક પર ધૂરંધર રાજકીય નેતાઓને પરાજય આપી ચૂંટાઇ આવેલા કન્ઝર્વેટિવ સાંસદ શિવાની રાજાએ 10 જુલાઇ બુધવારના રોજ હાઉસ ઓફ કોમન્સમાં ભગવદ્દ ગીતા પર હાથ રાખીને સાંસદ તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતાં. બિહારમાં જન્મેલા કનિષ્ક નારાયણ અને પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે પણ ભગવદ્દ ગીતા પર હાથ રાખીને શપથ ગ્રહણ કર્યાં હતાં. હેરો ઇસ્ટમાંથી ચૂંટાયેલા સાંસદ બોબ બ્લેકમેને કિંગ જેમ્સ બાઇબલ અને ભગવદ્દ ગીતા પર એકસાથે હાથ રાખીને સાંસદ તરીકેના શપથ લીધાં હતાં.
સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં શિવાની રાજાએ જણાવ્યું હતું કે, લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરતાં સંસદમાં શપથ લેવાં સન્માનની વાત છે. ગીતા પર હાથ રાખીને નામદાર કિંગ ચાર્લ્સ પ્રત્યેની મારી નિષ્ઠાના શપથ લેવાનું મને ગૌરવ છે.
પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત પાંચ સભ્યોએ બાઇબલને સાક્ષી માનીને શપથ ગ્રહણ કર્યાં હતાં. ટોરી સાંસદ પ્રીતિ પટેલ, ક્લેર કોન્ટિન્હો અને મુનિરા વિલ્સને કિંગ જેમ્સ બાઇબલ પર હાથ રાખીને શપથ લીધાં હતાં જ્યારે સોજન જોસફે નવા કરાર પર હાથ મૂકીને શપથ ગ્રહણ કર્યાં હતાં. લેબર સાંસદ વેલેરી વાઝે જેરૂસલેમ બાઇબલ પર હાથ મૂકીને શપથ લીધાં હતાં.
શીખ સમુદાયમાંથી ચૂંટાયેલા એક સંસદસભ્યે સુંદર ગુટકા પર હાથ રાખીને શપથ ગ્રહણ કર્યાં હતાં. સાત શીખ સાંસદોએ જણાવ્યું હતું કે, તેઓ સુંદર ગુટકા પર હાથ રાખ્યા વિના ઇશ્વરના નામે શપથ લેશે જ્યારે પંજાબી મૂળના બે સહિત સાત સાંસદોએ ઇશ્વરના નામે શપથ લીધાં નહોતાં.


