સુનાક 4 દિવસની ભારત મુલાકાતે જશે, વેપાર કરાર મુદ્દે રાજકીય નિર્ણયની અપેક્ષા

Tuesday 10th October 2023 13:23 EDT
 

લંડનઃ યુકેના વડાપ્રધાન રિશી સુનાક ઓક્ટોબર મહિનાના અંતભાગમાં ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન રિશી સુનાક અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર આડે રહેલા મહત્વના અવરોધો પર રાજકીય નિર્ણય લેવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે જેથી આ કરાર લાંબા સમય સુધી વિલંબિત ન રહે. મંત્રણાઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ભારત અને બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર હવે ફક્ત કેટલાક મહત્વના મુદ્દાના કારણે અવરોધાઇ રહ્યો છે અને તેના માટે હવે રાજકીય નિર્ણય લેવાય તે જરૂરી છે. રિશી સુનાકની ભારત મુલાકાત દરમિયાન જો બંને વડાપ્રધાન મુદ્દાઓના નિવારણ માટે નિર્ણય લેશે તો મુક્ત વેપાર કરાર ઝડપથી અમલમાં આવી જશે. વડાપ્રધાન રિશી સુનાકે ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર સહિત અલગ અલગ સેક્ટરમાં બંને દેશ વચ્ચેના સંબંધ મજબૂત બનાવવાનો પુનરોચ્ચાર કર્યો છે. માન્ચેસ્ટરમાં ચાલી રહેલી કન્ઝર્વેટિવ કોન્ફરન્સની સાથેસાથે આયોજિત કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાની બેઠકમાં સુનાકે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ હું વડાપ્રધાન તરીકેની મારી પહેલી ભારત મુલાકાત કરીને પરત આવ્યો છું. મારી આ મુલાકાત ઘણી સફળ રહી હતી.

રિશી સુનાક લખનૌમાં ભારત-ઇંગ્લેન્ડ મેચ નિહાળે તેવી સંભાવના

વડાપ્રધાન રિશી સુનાક ભારત મુલાકાત દરમિયાન 29મી ઓક્ટોબરે લખનૌ ખાતે યોજાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ ક્રિકેટ મેચ જોવા જાય તેવી સંભાવના છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter