લંડન
દેશમાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો સૌથી વધુ ભોગ બની રહેલા પરિવારો માટે રિશી સુનાક નેશનલ લિવિંગ વેજમાં નોંધપાત્ર વધારો કરે તેવી સંભાવના છે. 17મી નવેમ્બરે જાહેર થનારા ઓટોમન સ્ટેટમેન્ટમાં આ અંગે જાહેરાત કરાય તેવી સંભાવના છે. સુનાક સરકાર ગરીબ પરિવારોને મદદ કરવા 1100 પાઉન્ડની રાહત જાહેર કરે તેવી પણ સંભાવના છે. જેના કારણે 80 લાખ પરિવારોને લાભ થશે. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર વડાપ્રધાન અને ચાન્સેલર જેરેમી હન્ટ નેશનલ લિવિંગ વેજ 9.50 પાઉન્ડ પ્રતિ કલાકથી વધારીને 10.40 પાઉન્ડ પ્રતિ કલાક કરવાની સત્તાવાર ભલામણને સ્વીકારી લેશે. જેના કારણે નેશનલ લિવિંગ વેજમાં 10 ટકા વધારાનો લાભ 25 લાખ લોકોને મળશે. એક સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર આ વધારો 10 ટકા કરતાં પણ વધુ હોઇ શકે છે.
રિશી સુનાક યુનિવર્સલ ક્રેડિટ, 650 પાઉન્ડના કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ, વિકલાંગો માટે 150 પાઉન્ડ અને ગરીબ પેન્શનપો માટે 300 પાઉન્ડ જેવા લાભમાં વધારો કરી શકે છે જેનો અર્થ એ થયો કે ગરીબ પરિવારોને 1100 પાઉન્ડ સુધીની સહાય પ્રાપ્ત થઇ શકે છે.


