સુનાક અને અક્ષતાની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ ફરી ચર્ચાનો વિષય બની

અક્ષતાના 570 પાઉન્ડના સ્લીપર અને 130 પાઉન્ડના લેગિંગે ચર્ચા જગાવી

Tuesday 28th February 2023 11:46 EST
 
 

લંડન

બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા સુનાક તેમની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહ્યાં છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ કરાયેલી કેટલીક તસવીરોમાં અક્ષતા મૂર્તિને 570 પાઉન્ડની કિંમતના સ્લીપર પહેરેલાં દર્શાવાતાં તેમની અમીરીની ચર્ચાઓએ ફરી વેગ પકડ્યો હતો. તસવીરમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઝડપાયેલી એક તસવીરમાં અક્ષતાને જેબલ્યૂ એન્ડરસનના અત્યંત મોંઘા સ્લીપરની સાથે 130 પાઉન્ડના લેગિંગ્સમાં દર્શાવાતા ચર્ચા છેડાઇ હતી.

ગયા વર્ષે સન્ડે ટાઇમ્સ દ્વારા જારી કરાયેલી બ્રિટનના અમીરોની યાદીમાં રિશી સુનાક અને અક્ષતા મૂર્તિનો સમાવેશ કરાયો હતો. તે સમયે તેમની કુલ સંપત્તિ 730 મિલિયન પાઉન્ડ દર્શાવવામાં આવી હતી. રિશી સુનાક બ્રિટનના અત્યાર સુધીના સૌથી અમીર વડાપ્રધાન છે.

ટોરી લીડરશિપની રેસ દરમિયાન રિશી સુનાક એક નિર્માણાધીન સાઇટની મુલાકાતે ગયા ત્યારે તેમને 490 પાઉન્ડના જૂતા પહેરેલા દર્શાવાયા હતા. તે સમયે 3500 પાઉન્ડની કિંમતનું હર્બટ સૂટ પહેરવા માટે નેડિન ડોરિસ દ્વારા સુનાકની ટીકા કરાઇ હતી.

ટોરીઝની ફંડ રેઇઝિંગ ઇવેન્ટમાં સુનાકનું ક્રિસ્ટલ પોટ્રેટ 25000 પાઉન્ડમાં વેચાયું

કન્ઝર્વેટિવ પાર્ટીએ આગામી સંસદની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તે અંતર્ગત ભંડોળ એકઠું કરવા આયોજિત કન્ઝર્વેટિવ પાર્ટીને મસમોટાં દાન આપનારા દાતાઓના સમારોહનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં વડાપ્રધાન રિશી સુનાકનું ક્રિસ્ટલ પોટ્રેટ હરાજી દરમિયાન 25000 પાઉન્ડમાં વેચાયું હતું. આ પોટ્રેટ લંડનના આર્ટિસ્ટ સેન બી દ્વારા તૈયાર કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર એક દાતાએ જણાવ્યું હતું કે, 80-20 અભિયાન માટે કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ફોર્મ જારી કરવામાં આવ્યા છે જેમાં 10,000 પાઉન્ડ સુધીના દાનની માહિતી આપવાની રહેશે. આ કાર્યક્રમમાં અબજોપતિ બિઝનેસમેન મોહમ્મદ મનસૌર હાજર રહ્યાં હતાં તેમની કંપની યુનાટ્રેકે ટોરી પાર્ટીને 6 લાખ પાઉન્ડ જેટલું માતબર દાન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter