સુનાક ઉવાચઃ ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ- ટુ’ સ્કીમ માટે લોકડાઉન પછી કોઈ આયોજન નથી

Wednesday 17th March 2021 10:24 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન ઉઠાવી લેવાયા પછી હાઈ સ્ટ્રીટ્સ, પબ્સ અને રેસ્ટોરાં પૂરજોશમાં આવી જવાના હોવાથી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ- ટુ’ માટે કોઈ આયોજન નથી. ચાન્સેલરે કહ્યું હતું કે દેશના પરિવારો કોરોના મહામારી દરમિયાન બચાવેલા ૧૮૦ બિલિયન પાઉન્ડનો મોટો હિસ્સો ખર્ચવા ઉત્સુક છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે મંદીના કારણે સંખ્યાબંધ બ્રિટિશરો નોકરી ગુમાવશે તેની ચિંતામાં તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. યુકે પોતાના કોવિડ દેવાંની ચૂકવણી કરશે ત્યારે આગામી વર્ષોમાં સરકારી ખર્ચ અને ઊંચા ટેક્સનો સંકેત પણ સુનાકે આપ્યો હતો.

ચાન્સેલર સુનાકે ટ્રેઝરી સિલેક્ટ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે લોકડાઉન પછી કન્ઝ્યુમર માગ મોટા પ્રમાણમાં બહાર આવશે. ખર્ચને પ્રોત્સાહન આપવા વધુ એક ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ- ટુ’ જેવી સ્કીમનો વિચાર થઈ રહ્યો છે તેવા પ્રશ્નનો નકારમાં ઉત્તર વાળતા સુનાકે કહ્યું હતું કે આ બજેટ માટે પણ આવી સ્કીમનો વિચાર કરાયો ન હતો.

ચાન્સેલરે ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીના આંકડા દર્શાવતા કહ્યું હતું કે બ્રિટિશરો ૧૮૦ બિલિયન પાઉન્ડની બચતના વિશાળ ઢગલા પર બેઠેલા છે. ફાઈનાન્સિયલ વોચડોગ માને છે કે ખરીદારો આ બચતમાંથી દર વર્ષે ઓછામાં ઓછાં ૯ બિલિયન પાઉન્ડ વાપરશે. ગત જુલાઈમાં પ્રથમ લોકડાઉન ઉઠાવી લેવાયા પછી ખરીદારો હાઈ સ્ટ્રીટ્સમાં ખરીદી માટે જતા ડરતા હતા. હવે તેઓ બમણા જોશથી પાછા ફરશે.

અર્થતંત્રના ભાવિ વિશે તેમણે જણાવ્યું હતું કે બ્રિટને તેના વિશાળ કોવિડ દેવાની ચૂકવણી કરવાની હોવાથી સ્ટેટનું મોટું કદ અને ઊંચા ટેક્સની બાબતો તો થોડાં વર્ષો સુધી જોવાં મળશે. સરકાર જે જાહેર સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે તેના માટે ભંડોળ તો એકઠું કરવું જ પડશે. જો ખર્ચાની તરફ માગ વધારે રહે તો તેના માટે ચૂકવણી કરવી પડે તે સ્વાભાવિક છે. મને આશા છે કે મોટા ભાગના લોકો આ બાબત સમજી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter