લંડનઃ બોરિસ જ્હોન્સનના અનુગામીની રેસના પાંચમા રાઉન્ડમાં ઉતરેલા પીએમ પદના 3 દાવેદારો રિશી સુનાક, લિઝ ટ્રસ અને પેની મોરડૌન્ટ પૈકીના મોરડૌન્ટ સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગયા છે. બુધવારે યોજાયેલા પાંચમા રાઉન્ડના મતદાનમાં રિશી સુનાકે 137 મત સાથે ફ્રન્ટરનરનું સ્થાન જાળવી રાખ્યું હતું. ચોથા રાઉન્ડમાં બીજા ક્રમે રહેલા મોરડૌન્ટને આશ્ચર્યજનક રીતે પછડાટ આપીને લિઝ ટ્રસ અંતિમ બે ઉમેદવારોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં હતાં. તેમણે મોરડૌન્ટના 105 મત સામે 113 મત મેળવ્યા હતા. પીએમ પદની રેસમાં ટોરી નેતાની પસંદગી માટે હવે પાર્ટીના 1,80,000 પ્રાથમિક સભ્યો મતદાન કરીને સુનાક અથવા તો ટ્રસમાંથી એકની પસંદગી કરશે. આ મતદાનના પરિણામ પાંચમી સપ્ટેમ્બરે જાહેર કરાશે.
અંતિમ વિજય માટે કમર કસતા સુનાક
બ્રિટનના પીએમ પદની રેસમાં ફ્રન્ટ રનર રહેલા અને અંતિમ બેમાં સ્થાન મેળવનાર રિશિ સુનાકે હવે ટોરી મતદાનના અંતિમ તબક્કામાં વિજય હાંસલ કરવા કમર કસી લીધી છે. તેઓ હવે સમગ્ર બ્રિટનનો પ્રવાસ ખેડી ટોરી મતદારોને પોતાના અભિગમથી વાકેફ કરાવવાના અભિયાનમાં જોડાઇ ગયાં છે. પૂર્વ પીએમ માર્ગારેટ થેચરના વતન ગ્રાન્થમ ખાતે ટોરી મતદારોને સંબોધન કરવા પહોંચેલા સુનાક તસવીરમાં તેમની પત્ની અક્ષતા અને પુત્રીઓ ક્રિશ્ના અને અનૌષ્કા સાથે દ્રશ્યમાન થઇ રહ્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, મારા માટે પરિવાર સર્વસ્વ છે અને તેમનો સહકાર જ મારા માટે બધું જ છે. સુનાક બાળપણથી જ સફળતાની કેડી કંડારતા આવ્યા છે. 9 વર્ષના હતા ત્યારે જ તેમના એક શિક્ષકે જણાવ્યું હતું કે, તે ભવિષ્યના વડા પ્રધાન બનશે. પરિવારના ગોલ્ડન બોય એવા સુનાક તેમના ભાઇ અને બહેન કરતાં હંમેશા એક કદમ આગળ રહ્યાં છે.


