લંડનઃ માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલી કન્ઝર્વેટિવ એન્યુઅલ કોન્ફરન્સમાં બુધવારે વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિએ સરપ્રાઇઝ સ્પીચ આપતાં પાર્ટીના સભ્યો આશ્ચર્યમાં પડી ગયાં હતાં. અક્ષતાએ જણાવ્યું હતું કે રિશી સુનાક મારા શ્રેષ્ઠ મિત્ર છે. સુનાક ઇમિગ્રન્ટના પુત્ર અને બ્રિટિશ હોવા પર ગૌરવ અનુભવે છે. સુનાક હંમેશા પ્રેરણામૂર્તિ રહ્યા છે.
જોકે અક્ષતાએ સુનાકના રોમેન્ટિક ફિલ્મો પ્રત્યેના વળગણની પણ ટીકા કરી હતી. 875 પાઉન્ડના ડ્રેસમાં સજ્જ અક્ષતાએ મજાકમાં કહ્યું હતું કે, વડાપ્રધાન જાણતા નથી કે હું શું કહેવા માગુ છું. તેઓ 14 વર્ષથી મારા બેસ્ટ ફ્રેન્ડ છે. દેશમાં સત્તાનું સુકાન સંભાળવું તેમના માટે મોટા સન્માનની વાત છે.
અક્ષતાએ જણાવ્યું હતું કે, સુનાક ઘણા મજાકિયા હોવાની સાથે વિચારશીલ પણ છે. સુનાક નમ્ર, દયાળુ છે અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવે છે.
અક્ષતા મૂર્તિ બાદ સંબોધન માટે આવેલા રિશી સુનાકે જણાવ્યું હતું કે, હંમેશા મારી પડખે રહેવા માટે તમારો આભાર. તમારી પસંદગી કરીને મેં મારા જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ લાંબાગાળાનો નિર્ણય કર્યો હતો.


